ભરૂચ શહેરમાં ફરી એકવાર રખડતા પશુઓના કારણે અકસ્માતનો ભય વાહન ચાલકોમાં સતાવી રહ્યો છે, જાહેર માર્ગો ઉપર રખડતા પશુઓને કારણે ભૂતકાળમાં અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે વધુ એકવાર ચોમાસાની ઋતુમાં રખડતા પશુઓ વાહન ચાલકો માટે માથાના દુઃખાવા સમાન બન્યા છે.
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર, કોર્ટ રોડ, લિંક રોડ સહિતના જાહેર માર્ગો જાણે કે રખડતા પશુઓ માટે આશ્રય સ્થાન સમાન બન્યા છે, રસ્તા વચ્ચે જ અડિંગો જમાવી બેસતા પશુઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મહત્વનું છે કે ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આ પ્રકારના રખડતા પશુઓને લઇ તંત્ર પણ જાણે કે કોઈક મોટા અકસ્માતની રાહ જોયા બાદ તેઓને ખસેડવાની કામગીરી કરશે તેવી બાબતો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે, ત્યારે વહેલી તકે આ પ્રકારે રખડતા પશુઓના માલિકો સામે કાર્યવાહી કરી રખડતા પશુઓને સુરક્ષિત સ્થાને રાખવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.