ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની બહેનો દ્વારા આજે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભેગા થઇ તેઓના વિવિધ પડતર પ્રશ્નો બાબતે જિલ્લા સમહર્તાને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પાઠવવામમાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની એક લાખ આંગણવાડી બહેનોને સતત કોરોના કામગીરી કરવા છતાં કોઈ રકમ ચૂકવાઈ નથી, કોરોના કામગીરીના કારણે કોરોનાથી અવસાન પામેલ બહેનોને વળતર ચૂકવવા તેમજ બહેનોને કાયમી કરવાની માંગ કરી છે, સાથે જ સરકાર માતૃ ભાષાનો આગ્રહ કરે અને મહિલા બાલ વિકાસ વિભાગે “પોષણ ટ્રેક્ટર” મોબાઈલ એપ્લિકેશન અંગ્રેજીનું પકડાવી દેવા જેવી બાબતોનો ઉલ્લેખ કરી રજુઆત કરાઈ હતી.
મહત્વની બાબત છે કે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સમગ્ર રાજ્યમાં આ પ્રકારે જિલ્લા કલેક્ટર સહિત મામલતદાર વિભાગોમાં આવેદનપત્ર પાઠવી સમગ્ર મુદ્દાઓ પર સરકાર ધ્યાન આપી આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી માંગ ઉચ્ચારવામા આવી છે, અને તેઓની માંગ ઉપર વહેલી તકે સરકાર ધ્યાન નહિ આપે તો આવેદનપત્રમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.