ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોમાં સ્ટેટ મોનીટરીંગ સેલ અને લોકલ ક્રાઈમ બ્રાંચ સહિત એસ.ઓ.જી પોલીસ વિભાગમાં કામગીરી કરવામાં હરીફાઇ જામી હોય તેવા બનાવો સામે આવ્યા હતા, બુટલેગરોથી લઇ કેમિકલ માફિયાઓ સુધી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા એક બાદ એક દરોડા પાડી સ્થાનિક પોલીસને દોડતી મૂકી હતી.
સમગ્ર ઘટના ક્રમ વચ્ચે ભરૂચની સ્થાનિક પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થતા ક્રાઈમ બ્રાંચ, એસ.ઓ.જી જેવા વિભાગો પણ એક્ટિવ થયા હતા અને અનેક બોગસ ડોકટરોથી લઇ રેમડીસીવીર ઇન્જેક્શન જેવા કૌભાંડો સહિત હત્યા લૂંટ જેવા પ્રકરણોનો ભેદ ઉકેલી નાખ્યો હતો સાથે જ ક્રૂડ ઓઇલ ચોરી જેવા કૌભાંડો પણ પકડી પાડ્યા હતા.
જિલ્લામાં એક બાદ એક હત્યાના બનાવો લૂંટના બનાવોએ કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉભા કર્યા હતા એક સમયે તો સ્ટેટ મોનીટરીંગ સેલે જાણે કે સ્થાનિક પોલીસના પરસેવા છોડાવ્યા હોય તે પ્રકારની એક્ટિવિટી શરૂ કરી ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અને કરોડોનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો.
તે વચ્ચે હવે ગત સાંજથી ભરૂચ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા ૪૩ જેટલા પોલીસ કર્મીઓને જિલ્લા પોલીસ વડાએ હેડ ક્વાર્ટર ખાતે તાત્કાલિક ધોરણે ફરજ બજાવવા જણાવતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચ્યો હતો, જેમાં જિલ્લા પોલીસ વડાના આદેશમાં મોટા ભાગે ડી સ્ટાફના કર્મીઓના નામ હોય મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.
જિલ્લા પોલીસ વડાના આદેશમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક અંકલેશ્વર શહેર પોલીસ અને રૂરલ પોલીસના મોટા ભાગના ડી સ્ટાફના કર્મીઓનો સમાવેશ થાય છે તો નબીપૂર, કાવી, ઉમલ્લા, રાજપારડી, વેડચ જેવા પોલીસ મથકના કર્મીઓનો પણ પોલીસ વડાની લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
મહત્વની બાબત છે ભરૂચ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ અનનું દીવાનના ઘરેથી તાજેતરમાં જ સ્ટેટ વિજિલન્સની ટીમે અનનું દીવાન ખુલ્લે આમ દારૂનું વેચાણ કરતો હોય રેડ કરી હતી જેમાં લાખોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલયો હતો જે બાદ સ્થાનિક પોલીસ વિભાગના અધિકારીઓ અને ડી સ્ટાફની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા હતા પરંતુ જિલ્લા પોલીસ વડાના તાજેતરમાં જ થયેલા આ હુકમમાં એ ડિવિઝન પોલીસ મથકની બાદબાકી જેવી બાબત પણ પોલીસ વિભાગ સહિત પત્રકારો અને જાગૃત નાગરિકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.