ભરૂચ તાલુકાના દયાદરા ગામ નજીક આવેલ સીમ ખાતેની તલાવડી પાસેથી થોડા દિવસો અગાઉ બાલ વિકાસ અધિકારી સહિતના કર્મીઓએ બાલવાડીમાં બાળકોને આપતા ટેક હોમ રાશનના જથ્થાના પેકેટ પકડી પાડયા હતા જે મામલે બાલ વિકાસ અધિકારીએ ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર પ્રકરણ સામે આવ્યા બાદ પોલીસ વિભાગ પણ એક્શનમાં આવ્યું હતું અને જથ્થાનો સંગ્રહ કરનાર ૫ જેટલા ભરવાડ સહિત જથ્થો પહોંચાડનાર ડ્રાઈવર અને એક વચેતીયાની ધરપકડ કરી કુલ ૭ જેટલા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અને સમગ્ર કૌભાંડની તપાસ અર્થે વિવિધ 65 જેટલા આંગણવાડી કેન્દ્રોના રેકોર્ડ તપાસણી માટે તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી હતી.
તંત્રની મંજૂરી બાદ પોલીસ વિભાગે વિવિધ કેન્દ્ર પર તપાસ શરૂ કરતાં ૨૧ જેટલી આંગણવાડી કર્મચારીઓની સમગ્ર કૌભાંડમાં સંડોવણી સામે આવતા પોલીસ દ્વારા હાલમાં ૩ જેટલી આંગણવાડી કર્મચારીઓની ધરપકડ કરી અન્યને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કરતા સમગ્ર મામલે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
મહત્વનું છે કે બાળકોના ભાગના રાશનના કૌભાંડમાં અત્યાર સુધી ભરૂચ તાલુકા પોલીસે ૧૦ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને સમગ્ર કૌભાંડમાં આરોપીઓની સંખ્યા ૩૦ થી વધુ થાય તેવી શકયતાઓ સામે આવી રહી છે, ત્યારે આ આખાય રાશન કૌભાંડમાં ઘરના જ ભેદી નીકળ્યાં હોય તે પ્રકારની ઘટના સામે આવતા હાલ સમગ્ર મામલો લોકો વચ્ચે ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.