ભરૂચ જિલ્લામાં ચોરી, મારામારી, લૂંટફાટ, જુગાર અને હત્યાના બનાવ ઘણા બની રહ્યા છે જાણે ગુનેગારને પોલીસનો ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમ રીતે જ ગેરકાયદેસરના કામો કરી રહ્યા છે તે માટે ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ જીલ્લામા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ જુંબેશ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ચોરીના મનાતા શંકાસ્પદ ૧૧ નંગ મોબાઇલ સાથે પોલીસે એક ઇસમને પકડી લીધો હતો.
રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા મળેલ સુચનાના અનુસંધાને રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવ પોલીસ ટીમ સાથે ગતરોજ રાજપારડી નગરમાં રેલવે ફાટક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તે દરમિયાન એક ઇસમ પ્લાસ્ટિકની થેલીમાં મોબાઇલ નંગ ૧૧ સાથે શંકાસ્પદ રીતે મળી આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન મોબાઈલોના બિલ કે કોઇ આધાર પુરાવા રજુ કરવા જણાવાતા મળેલ નહી તેમજ કોઇ સંતોષકારક જવાબ મળ્યો નહતો. પોલીસે કુલ રૂ.૪૫૦૦૦ ની કિંમતના ૧૧ નંગ મોબાઇલ સાથે કિશનભાઇ રણછોડભાઈ વસાવા રહે.દુમાલપોર તા.ઝઘડીયા જિ.ભરૂચની અટકાયત કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ