નડિયાદ નગરપાલિકા દ્વારા આશરે બે વર્ષ અગાઉ શહેર નજીક આવેલા ફતેપુરા-દાવલીયાપુરા પાસે કરોડો રૂપિયાના ખર્ચે વિશાળ સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો હતો. જોકે, પાલિકાતંત્રની બેદરકારીને પગલે આ સ્વિમિંગ પુલમાં લીલનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. હાલ આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બનતાં વિપક્ષી કાઉન્સિલરે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરતાં તંત્ર એ આ સ્વિમિંગ પુલમાં યુધ્ધના ધોરણે સફાઈ કામગીરી આરંભી દીધી છે. નડિયાદના ફતેપુરા નજીક કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા વિશાળ સ્વિમિંગ પુલમાં છેલ્લાં ઘણાં સમયથી લીલનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું.
આ સ્વિમિંગ પુલનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સી તેમજ પાલિકાતંત્ર વચ્ચે ભાગબટાઇ બાબતે ચાલતાં વિવાદને પગલે છેલ્લાં ઘણાં સમયથી સ્વિમિંગ પુલની આ સ્થિતિ સર્જાઈ હોવાનું ચર્ચાએ જોર પકડયું છે. આથી આ સ્વિમિંગ પુલમાં લીલનું સામ્રાજ્ય છવાઈ જવા પામ્યું હતું. બીજી બાજુ આ સ્વિમિંગ પુલમાંથી ગંદુ પાણી બહાર કાઢવા માટેના નિકાલની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી ન હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠતાં કોગ્રેસ કાઉન્સિલરે આ અંગે તપાસ થાય અને તાત્કાલિક ધોરણે લીલ દુર કરવામાં આવે તે બાબતે લેખીત રજૂઆત કરી હતી. જે બાદ તંત્રને આ વાત ધ્યાને આવતાં તંત્રએ તાત્કાલિક ધોરણે અહીંયા સ્વિમિંગ પુલમાં મશીન મુકી લીલને દૂર કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જે સંપૂર્ણપણે લીલને દૂર કરતાં હજી બે થી ત્રણ દિવસ જેટલો સમય લાગશે તેમ જાણવા મળ્યું છે.