વિશ્વ યોગ દિન નિમિત્તે કોવિડ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા માટે રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત વન, આદિજાતિ મંત્રી ગણપતભાઈ વસાવા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લીમોદરા ઉચ્ચતર પ્રાથમિક શાળા અને તરસાડી સરદારસિંહ રાણા કોમ્યુનિટી હોલ ખાતેથી વેક્સિનેશન અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી વસાવાએ યોગદિનની સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, કોરોના સામે વેક્સિન જ એક માત્ર અમોઘ શસ્ત્ર છે. નિષ્ણાતોએ કોરોનાના ત્રીજા વેવની સંભાવના વ્યકત કરી રહ્યા છે ત્યારે તેના પ્રતિકારરૂપે વધુમાં વધુ લોકો વેકસીન લે તે જરૂરી છે. પ્રથમ અને બીજી લહેરમાં રાજય સરકારે ઓકિસજન, બેડ, દવાઓ જેવા અનેક મોરચે મક્કમતાપૂર્વક કોરોનાનો સામનો કર્યો છે. આજથી રાજય સરકારે ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથના યુવાનો માટે રજિસ્ટ્રેશન કરાવ્યા વિના ઓન ધ સ્પોટ વેકસીનેશનનો પ્રારંભ કર્યો છે જેનો મહત્તમ લાભ લેવાનો યુવાનોને અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં દરેક નાગરિકોને ઘરઆંગણે આસાનીથી વેક્સિન ઉપલબ્ધ કરાવી શકાય એ માટે જિલ્લામાં વેક્સિનેશન બૂથની સંખ્યા પણ વધારવામાં આવી છે. જેથી સૌ કોઈ યુવાનો, વડીલો કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વિના ગુજરાતને કોરોના મુકત બનાવવા સહભાગી બને તેવો અનુરોધ મંત્રીએ કર્યો હતો.
તરસાડી ખાતે આયોજીત રસીકરણ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો રસી લેવા આવી પહોચ્યા હતા. તરસાડી ખાતે રહેતી ૨૫ વર્ષીય હેમાંગી મોરે જણાવ્યું હતું કે, આજે મે વેકસીન લીધી છે. મને કોઈ આડઅસર થઈ નથી. રાજય સરકારે ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન સાથે રસીકરણની ખૂબ સરસ વ્યવસ્થા કરી છે જેનો સૌ કોઈએ લાભ લઈ આપણા રાજયને કોરોના મુકત બનાવીએ તેવી અપીલ કરી હતી.
કોસંબા વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય યુવતી સુણવા સુષ્ટિબેને જણાવ્યું કે, મારા પરિવારમાં બધાએ વેકસીન લીધી છે. આજે હું પણ રસી લઈને કોરોના વાયરસથી ભયમુકત થઈ છું. સરકારે સૌ કોઈને સરળતાથી રસી મળે તે માટે વેકસીન સેન્ટરો શરૂ કર્યા છે જે અભિનંદનીય છે. દરેક યુવાન વેકસીન લઈ દેશને કોરોનામુકત કરવાનો અનુરોધ સૃષ્ટિએ કર્યો હતો. નોંધનીય છે કે, માંગરોળ તાલુકામાં ૧૭ સ્થળોએ વેકસીનેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.
લીમોદરા ખાતે આયોજીત વેકિસનેશન કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય અફઝલભાઈ, અગ્રણી કાનાભાઈ, અનિલભાઈ શાહ, સરપંચ ભારતીબેન, તાલુકા આરોગ્ય અધિકારી સમીરભાઈ ચૌધરી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ