ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામ નજીક વહેતી માધુમતી ખાડીમાં લીઝ વિનાની જગ્યાએ ખોદકામ થતુ હોવાની રજુઆત ગ્રામ પંચાયતના ઉપસરપંચે જિલ્લા કલેક્ટર અને ખાણખનીજ વિભાગને કરતા ખાણખનીજ વિભાગે રુબરુ સ્થળ પર આવીને તપાસ હાથ ધરી હતી.સારસા ગામે માધુમતિ ખાડીમાં રેતીની લીઝ બાબતનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. થોડા દિવસ પહેલા ભાજપા કાર્યકર હિરલ પટેલના નેતૃત્વ હેઠળ કેટલાક ગ્રામજનોએ ગ્રામ પંચાયત સભ્યોએ લીઝધારક પાસેથી પૈસા લીધા હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયત કચેરી ખાતે રીતસર મોરચો માંડ્યો હતો.ત્યારે ગઇકાલે સારસા ગ્રામ પંચાયતના ઉપસરપંચ મેલીબેન વસાવાની આગેવાની હેઠળ ગ્રામ પંચાયત સભ્યોએ જિલ્લા કલેક્ટર ભરૂચ અને ખાણ ખનીજ વિભાગને લેખિતમાં રજુઆત કરીને જણાવ્યુ હતુ કે સારસા ગામના ગુલીયાપરા ફળિયા પાસેથી વહેતી માધુમતિ ખાડીમાં લીઝ વગરની જગ્યાએ મોટુ હિટાચી મશીન મુકીને તેના દ્વારા મોટા હાઇવા ટ્રકોમાં રેતી ભરીને હિરલ જયવદન પટેલ અને સતિષ પટેલ દ્વારા ગેરકાયદેસર રેતીની ચોરી કરવામાં આવે છે.પાછલા ચાર પાંચ દિવસથી ૨૪ કલાક રેતીની ઓવરલોડ ગાડીઓ ભરાય છે. પંચાયત સભ્યો દ્વારા આ બાબતે કહેતા પંચાયતની બોડીને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનું રજુઆતમાં જણાવાયુ હતુ.જ્યારે આ બાબતે હિરલ પટેલનો ટેલિફોનીક સંપર્ક કરતા તેમણે આ વાતને ખોટી ગણાવી હતી. અને આ બાબતે તેઓ કઇ જાણતા નથી એમ જણાવીને આગળ રેતીની લીઝવાળા પાસેથી પંચાયત સભ્યોએ પૈસા લીધા હોવા બાબતે જે વિવાદ થયો હતો તેની રીસ રાખીને ખોટી રીતે અમારા નામો સંડોવાયા છે,એમ જણાવ્યું હતુ. ગતરોજ પંચાયત સભ્યોએ કરેલ રજુઆતને લઇને સારસા ગામે માધુમતિ ખાડીમાં જ્યાંથી રેતી ઉલેચાતી હતી તે સ્થળે ભરૂચ ખાણ ખનીજ વિભાગે રુબરુ આવીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન લીઝ વિનાની જગ્યાએ રેતીના ખોદકામ માટે મુકેલ હિટાચી મશીન સીઝ કરીને પોલીસને સોંપ્યુ હતુ.ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલ પંચનામા મુજબ મશીનના માલિકે આ ખોદકામ શંકરભાઇ ભોઇના કહેવાથી કરાતુ હોવાનુ જણાવ્યુ હતુ.ઉલ્લેખનીય છેકે થોડા દિવસ પહેલા આ લીઝધારક શંકરભાઈ ભોઇએ ગ્રામ પંચાયત સભ્યોને પૈસા આપ્યા હોવા બાબતે મોટો વિવાદ સર્જાયો હતો.ત્યારે હાલ માધુમતિ ખાડીમાં લીઝ વિસ્તારથી બહાર થયેલા ગેરકાયદેસર ખોદકામમાં પણ આ લીઝધારકનું નામ આવતા માધુમતિ ખાડીમાં રેતી ખનનનો વિવાદ વિસ્તૃત બની રહ્યો છે.નોંધનીય છેકે માધુમતિ ખાડી નાની ખાડી હોવાના કારણે ટ્રકો ભરીને રેતી ઉલેચાતા ખાડીમાં ઉંડા ખાડા પડવાની સંભાવના રહેલી છે. ઘણા ગ્રામજનો કપડા ધોવા ખાડીએ જાય છે. તેમજ ખાડીની સામી બાજુએ આવેલ ખેતરોમાં પણ ખેડૂતોએ પશુઓ લઇને જવુ પડે છે.ત્યારે નાની ખાડીમાં થતાં ખોદકામથી પડતા ખાડાઓના કારણે કોઇવાર જીવલેણ દુર્ઘટના થવાની સંભાવના હોવાની ચર્ચાઓ પણ જણાય છે.વધુમાં જાણવા મળ્યા મુજબ ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાડીમાં થતા ખોદકામ બાબતે યોગ્ય તપાસ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.સારસા ગામે ખાડીમાં થતા ખોદકામનો વિવાદ વકરતા સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.
ગુલામહુશેન ખત્રી-રાજપારડી