વેક્સિનેશન માટે લોકજાગૃતિનો અભાવ હોવાથી ટાર્ગેટ પુરા થતા નથી ત્યારે ટાર્ગેટ પુરા કરવા માટે મૃતક વ્યક્તિઓના પાનકાર્ડ, આધારકાર્ડનો ઉપયોગ કરીને વેક્સિન લીધી હોવાનું રેકર્ડ પર બતાવી દેવામાં આવે છે. સિહોર તાલુકાના વરલ ગામે 20 વર્ષ પહેલા મૃત્યુ પામેલા એક શખ્સને નામે વેક્સિનેશન સર્ટીફિકેટ નીકળતા સમગ્ર મામલો બહાર આવ્યો છે.
આ અંગે મળતી વિગત મુજબ સિહોર તાલુકાના વરલ ગામે ગઈ તા.15 જૂને વશરામભાઈ રવજીભાઈ જાની (ઉં.વ.45)નામની વ્યક્તિએ રસી લીધી હોવાનું સર્ટીફિકેટ બનાવવામાં આવ્યું છે. હવે આ વ્યક્તિ વશરામભાઈ 20 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે.તેમના પૌત્રએ સોશ્યલ મિિડયામાં આ સર્ટીફિકેટની નકલ મુકી સાથોસાથ કોમેન્ટ કરી છે કે,‘મારા દાદાને મૃત્યુ પામ્યાને 20 વર્ષ જેવો સમય થયો હોવા છતાં તંત્રએ એમને કોવિડની વેક્સિન આપી દીધી.
એમને પાનકાર્ડ હતું એ પણ આજે ખબર પડી.’આ બનાવમાં વેક્સિનેશનનો ટાર્ગેટ પુરો કરવા માટે આ ગેરરીતિ કરનાર સામે પગલા લેવાને બદલે તંત્ર દ્વારા બનાવનો ઢાંકપિછોડો કરવા માટે હવાતીયા મારવામાં આવી રહ્યા છે. આવા બનાવની તટસ્થ રીતે તપાસ થાય તો આવા એક નહીં અનેક ભુતીયા લોકોને વેક્સિન આપવાનું રેકર્ડ પર દર્શાવાયું હોવાનું બહાર આવે તેવી શકયતા છે. રસીકરણ માટે અગાઉ પણ આવા છબરડા બહાર આવી ચૂક્યા છે.
જયદીપ રાઠોડ : સુરત