ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા અને નર્મદા સુગર ફેક્ટરી તેમજ ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન તથા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, પ્રાંત અધિકારી કે.ડી.ભગત સહિત સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના અગ્રણીઓ તથા અન્ય સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં આજે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા “ નોંધારનો આધાર “ પ્રોજેક્ટ અંતર્ગત “ સેન્ટ્રલ કિચન ” ના માધ્યમથી પ્રાથમિક સર્વેક્ષણમાં નિયત કરાયેલા અંદાજે ૭૦ જેટલી વ્યક્તિઓને બે ટંક પુરી પડાઇ રહેલી ભોજન સેવા અંતર્ગત આજે ટેકરા ફળિયા-દશામાંના મંદિર સામેના વિસ્તારમાં લાભાર્થી પરિવારને સંસદસભ્ય વસાવાએ બપોરનું ભોજન પીરસ્યું હતું. તદ્ઉપરાંત જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓને આવરી લેતી કિટ્સ પણ અર્પણ કરીને તેનો સુવ્યવસ્થિત ઉપયોગ થાય તે જોવા લાભાર્થી સાથેના વાર્તાલાપમાં વસાવાએ જણાવ્યું હતુ.
આ પ્રસંગે સંસદ સભ્ય મનસુખભાઇ વસાવાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતુ કે, નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં અને પ્રાંત અધિકારીની રાહબરી હેઠળ ફુટપાથ પર અને અન્ય જગ્યાએ જે નિરાધાર લોકો-કેટલાંક શ્રમિક લોકો, કેટલાંક ભિક્ષુક લોકો રહે છે કે જેમને રહેવા માટે કે જમવા માટે કોઇ નિશ્વિત સ્થાન હોતું નથી તેવા લોકોને સમયસર બે ટાઇમનું જમવાનું મળે અને ન્હાવા-ધોવા માટે સાબુથી માંડીને કોપરેલ, ટુવાલથી માંડીને સુવા માટે પાથરવા અને આ તમામ સામાન મુકવા માટેની પેટી, આમ બધી જ પ્રકારની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સેવાભાવી સંસ્થા-લોકોના સહયોગથી આપવામાં આવી છે. ઘરના ભોજન જેવુ બે ટંક ભોજન આ લાભાર્થી પરિવારોને મળી રહ્યું છે, જેનુ સંચાલન જિલ્લા વહિવટીતંત્રના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ રાજપીપલાના સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ જેવી સંસ્થા દ્વારા કરી રહી છે. સમાજના આવા ગરીબ અને ખરેખર જરૂરિયાતમંદ લોકો માટે થઇ રહેલું આ કામ ખૂબ જ ઉત્તમ અને પ્રસંશનિય છે. આ કામગીરી સાથે જોડાયેલા સહુ કોઇ સહયોગીઓ અભિનંદનને પાત્ર છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે “ નોંધારાનો આધાર “ પ્રોજેક્ટ અંતર્ગત પ્રાથમિક તબક્કામાં હાથ ધરાયેલી સર્વેક્ષણ, સેન્ટ્રલ કિચનના પ્રારંભ સાથે ભોજન સેવા ઉપરાંત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વિતરણની થયેલી કામગીરી બાદ હવે પછી હાથ ધરાનારી આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આરોગ્ય વિષયક લાભ માટે માં અમૃતમ-માં વાત્સલ્યકાર્ડ, શૈક્ષણિક લાભ સહિત આવા લોકોને આત્મનિર્ભર કરવા માટેની જરૂરી તાલીમ-કૌશલ્યવર્ધન વગેરે જેવી પ્રવૃત્તિઓ વિષેની વિસ્તૃત જાણકારી સાથે સંસદ સભ્ય વસાવાને વાકેફ કર્યા હતાં.
જ્યોતિ જગતાપ, રાજપીપલા