ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જૂન માસ અડધો વિતવા છતાં મેઘરાજાએ પધરામણી ન કરતા લોકો અને ખાસ કરીને ધરતીપુત્રો ચાતક નજરે વરસાદની પ્રતીક્ષા કરી રહ્યા હતા. એવામાં શુક્રવારે સવારે પાલેજ નગરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને કાળા ડીબાંગ વાદળોથી નગરનું આકાશ છવાઈ ગયું હતું. વહેલી સવારે અડધો કલાક મેઘાએ ધબડાટી બોલાવ્યા બાદ પોરો ખાધો હતો.
ત્યારબાદ પુનઃ ૧૦.૩૦ વાગ્યે ધોધમાર વરસાદ ખાબકી પડતા નગરના માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. વરસાદને પગલે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસેલા વરસાદને પગલે લોકોને ગરમીમાં રાહત મળી હતી. તો બીજી તરફ ચોમાસાના આગમનને પગલે હવે ધરતીપુત્રો પણ ખેતીના કામમાં જોતરાઈ જવાની તૈયારીમાં પડી ગયા છે. હજુ પણ નગરના આકાશમાં વાદળો ગોરંભાયા છે અને વધુ વરસાદ વરસે એવી શક્યતાઓ પ્રબળ બનવા પામી છે. પાલેજ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યાના અહેવાલ સાંપડ્યા છે.
યાકુબ પટેલ, પાલેજ