પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકામાંથી પસાર થતી ગોમા નદી, સહિતના આસપાસના પટ વિસ્તાર ખનીજ ચોરો માટે સ્વર્ગ સમાન બન્યા છે. અહી નદીના પટમાથી રેતી તેમજ માટીનુ ગેરકાયદેસર રીતે થતુ ખનન અટકાવવા જીલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્રએ ખનીજ ચોરો સામે લાલ આંખ કરી હતી અને ખનીજચોરો સામે કાયદેસરની કાર્યવાહી પાછલા દિવસોમાં કરી હતી.
જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા કાલોલના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રેતી-માટીનુ ખનન થતુ અટકાવવા તેમજ ખનનના કારણે સ્થાનિકો પડતી મુશ્કેલીઓ સહિતની રજુઆતો સાથેનુ લેખિત આવેદનપત્ર જીલ્લા ભૂસ્તર અધિકારીને આપ્યુ હતું. પંચમહાલ જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જીલ્લા ભૂસ્તર શાસ્રીને આપવામા આવેલા આવેદનપત્રમાં જણાવામા આવ્યુ હતુ કે જિલ્લાના કાલોલ તાલુકાના સગનપુરા, ઉતરેડીયા, દેલોલ ચલાલી સહિત તેમજ અન્ય ગામો અને ગોમા નદીના પટમાં રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે અને મંજૂરી પાસ પરમીટ વગર મોટા પ્રમાણમાં રેતી કાઢીને વેપલો કરવામાં આવી રહ્યો છે તેને રોકવા સખત પગલાં ભરવા જરૂરી છે. ગેરકાયદેસર રીતે રેતી- માટી કાઢવાથી ખેડૂતોની કિંમતી જમીનને ભારે નુકશાન થઇ રહ્યુ છે અને તેના કારણે પાણીના જળ સ્થર પણ ઊંડા જઈ રહ્યા છે. વધુમા જે ગામોમાંથી રેતી- માટીના ગેરકાયદેસર ટ્રેક્ટરો અને વાહનો જાય છે. તે રસ્તાઓને પણ ભારે નુકસાન થાય છે .રોજીંદી અવરજર કરતા વાહનચાલકોના વાહનોના અકસ્માતો સર્જાય છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં મૃત્યુ અને ઇજા થવાના બનાવો થઈ રહ્યા છે. આવા સંજોગોમાં તુરંત ખનીજ ચોરી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા અમારી માંગ છે. જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિની આગેવાનીમા આવેદનપત્ર આપવા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અજિતસિંહ ભટ્ટી, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ મિકી જોસેફ, પ્રદેશમંત્રી રફીકભાઈ તિજોરીવાલા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ઉમેશ શાહ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી