માંગરોળ તાલુકાના વેરાકુઈથી રટોટી સુધીના માર્ગની કામગીરીમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા હોવાની સ્થાનિક ગ્રામજનોમાં બૂમ ઉઠી છે. છેલ્લા દસ વર્ષથી ગ્રામજનોની માર્ગ બનાવવાની વારંવારની માંગ હતી. આ વિસ્તારના લોકોની માંગને ધ્યાનમાં રાખીને આ રસ્તો બનાવવાની મંજુરી તંત્ર દ્વારા મળી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા પૂરતું ધ્યાન ન અપાત જુનુ તૂટેલો માર્ગનું તોડ્યા વગર જ જુના માર્ગ પર જ નવું મટીરીયલ નાંખી દેવામાં આવતા હલકી કક્ષાનુ માર્ગ બનાવવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ ગામના સરપંચ પ્રકાશભાઈ ગામીતને ફરિયાદ કરી માર્ગમાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાતું હોવા જણાવી તંત્ર દ્વારા એની તપાસ થાય એવી માંગ કરી હતી. માર્ગનું કામ શરુ કરતી વખતે કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝન પણ આપવામાં ન આવતા લોકોને વાહન હંકારવામાં ખુબ જ મુશ્કેલી પડી છે ત્યારે રસ્તો બને તે દરમિયાન ડાયવર્ઝન આપવાનું હોય છે જેથી વાહનચાલકોને હાલાકી ન ભોગવવી પડે તેમ છતાં અહીં કોઈ જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી. તેમજ રસ્તો બની રહ્યો હોવાનો દિશાસૂચક બોર્ડ પણ લગાવામાં આવ્યો નથી. આ વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા આ બાબતે કોન્ટ્રાક્ટરને પૂછતા તે પોતે સારી જ કામગીરી કરે છે એવું કહી ઉડાઉ જવાબ આપ્યો હતો.બે તાલુકાને જોડતા આ રસ્તા ઉપર વાહનવ્યવહાર વધુ થાય છે તેમજ કવોરી ઉદ્યોગ પણ આ વિસ્તારમાં ધમધમી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જુના માર્ગને તોડ્યા વગર જ કેમ કામ શરૂ કરવામાં આવ્યું જે ચર્ચાનો વિષય બન્યો હતો તેમજ જરૂરી મટીરીયલ વાપરવામાં આવ્યું નથી. આ બાબતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધ્યાન કેન્દ્રિત કરી કામકાજ સારી ગુણવત્તાના મટીરીયલથી થાય એવી આ વિસ્તારના લોકોની ઉગ્ર માંગ છે.
આ સંદર્ભે માર્ગ અને મકાન વિભાગનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે “રીસરફેસિંગ કરવાનું હોય ત્યારે જે ટેન્ડરનાં નીતિનિયમ પ્રમાણે કામ પાસ થયું હોય તે પ્રમાણેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને મટીરિયલ પણ ધારાધોરણ પ્રમાણે જ વાપરવામાં આવ્યું છે.”એમ જણાવ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ