ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ મથકમાં મારામારીની બે અલગ અલગ ઘટનાઓ બનવા પામી છે.આ અંગે મળતી વિગતો મુજબ પ્રથમ ઘટનામાં મુલદ ગામે રહેતી તારાબેન બાલુભાઈ વસાવા ગતરોજ તેના ઘરે હતી ત્યારે ફળિયામાં રહેતો અજય અરવિંદ વસાવા હાથમાં લોખંડની પાઇપ લઇને આવ્યો હતો.અને તારાબેનને કહ્યુ હતુ કે તેં તારી છોકરી મારી સાથે બોલતી ન હતી તે બાબતની ફરિયાદ કેમ મારા વિરુધ્ધ આપી હતી ? તને અને તારી છોકરીને આજે હું છોડવાનો નથી.ત્યારે તારાબેને જણાવેલ કે મેં તારું શું બગાડયું છે કે તું મારવાનું કહે છે ? આ સાંભળીને અજય ઉશ્કેરાઈ ગયો હતો અને લોખંડના પાઈપથી તારાબેન પર હુમલો કરીને તેમને લોખંડના પાઇપના સપાટા માર્યા હતા, જેથી તેઓ લોહીલુહાણ થયા હતા. ઇજાગ્રસ્ત તારાબેનને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા.આ અંગે તારાબેન બાલુભાઈ વસાવાએ અજય અરવિંદ વસાવા રહે. મુલદ તા. ઝઘડિયા વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
મારામારીની બીજી ઘટનામાં હાઇવા ટ્રક પર ડ્રાઇવિંગ કરતો જામનગરનો મોસીન શબ્બીરભાઇ ગતરોજ તેની હાઇવા લઇને રાજપારડી ખાતેથી સીલીકા ભરીને રાજકોટ જવા નીકળ્યો હતો. ઝઘડિયા નજીક વાઘપુરા પાસેથી પસાર થતો હતો ત્યારે એક મોટરસાયકલ ચાલક ઓવરટેક કરવાની કોશિશ કરતો હતો. દરમિયાન હાઇવા ટ્રકની સાઈડમાં મોટરસાયકલ આવતા હાઈવા ચાલકે તેની હાઇવા સાઈડમાં ઉભી રાખીને નીચે ઉતર્યો હતો, ત્યારે મોટરસાયકલ ચાલકે ઓવરટેઇક કરવા બાબતે મોસીન સાથે ગાળાગાળી કરીને લોખંડની પાઇપ મોસીન ના કપાળના ભાગે તથા જમણા હાથે મારી હતી. અને સાઇડ ગ્લાસ તોડી નાંખીને નુકસાન કર્યું હતું જેથી મોસીન શબ્બીરભાઈ સિપાઇએ મોટરસાયકલ ચાલક વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી, રાજપારડી