અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરનારા વિદેશી રોકાણકારોના ખાતા ફ્રીઝ થવાના સમાચારથી ગૌતમ અદાણીની પ્રતિષ્ઠાને ઝટકો લાગ્યો છે. ફોર્બ્સના વિશ્વના અમીરોના લિસ્ટ અનુસાર, શેરમાં ઘટાડાથી ગૌતમ અદાણીની નેટવર્થમાં 5.4 બિલિયન ડોલર લગભગ 39 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડા પછી ગૌતમ અદાણી ફોર્બ્સ લિસ્ટમાં સૌથી વધુ અમીરોમાં 16 માં સ્થાને પહોંચી ગયા છે. શેરોના કારણે નેટવર્થમાં આવેલા ઘટાડાથી ગૌતમ અદાણીએ એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિનો એવોર્ડ પણ ગુમાવ્યો છે. ફોર્બ્સના લિસ્ટ અનુસાર ચીનના જોંગ શાનશાન હવે એશિયાના બીજ સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. જ્યારે ગૌતમ અદાણી ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. છેલ્લા 24 કલાકમાં જોંગ શાનશાનની નેટવર્થમાં 2.1 બિલિયન ડોલરનો ઘટાડો આવ્યો છે. હવે શાનશાનની કુલ નેટવર્થ 70 બિલિયન ડોલર થઈ ગઈ છે. જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થ 69.5 બિલિયન ડોલર છે. જોકે શાનશાનની નેટવર્થ ગૌતમ અદાણીથી માત્ર 0.5 બિલિયન ડોલર વધુ છે. ગૌતમ ઝડપથી શાનશાનને પછાડી શકે છે.
ફોર્બ્સના લિસ્ટ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 87.7 બિલિય ડોલરની નેટવર્થની સાથે એશિયાની સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. છેલ્લા 24 કલાકમાં મુકેશ અંબાણીની નેટવર્થમાં 1.9 બિલિયન ડોલર લગભગ 13.91 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. તાજા આંકડાઓ મુજબ, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની નેટવર્થનું અંતર વધીને 18.2 બિલિયન ડોલર લગભગ 1.33 લાખ કરોડ રૂપિયા થયું છે. મુકેશ અંબાણી ફોર્બ્સ લિસ્ટમાં 11 માં નંબરે છે.
રોકાણકારોના ખાતા ફ્રીઝ થવાના સમાચારથી સોમવારે અદાણી ગ્રુપની 6 લિસ્ટેડ કંપનીઓના શેરમાં 5 ટકાથી 22 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝના શેર તૂટ્યા. સોમવારે અદાણી એન્ટરપ્રાઈઝીઝના શેર ઈન્ટ્રા-ડેમાં 22 ટકા તૂટીને 1201 રૂપિયા પ્રતિ યુનિટ સુધી આવી ગયા હતા. જોકે કારોબારના અંતિમ કલાકોમાં રિકવરી જોવા મળી.