કોરોનાની ત્રીજી લહેર સામે વૈજ્ઞાનિક અભિગમથી ટકી રહેવા માણસામાં ઑક્સિજન પ્લાન્ટના લોકાર્પણ ટાણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ત્રીજી લહેર ન આવે, તે માટે પોતે બાધા રાખશે, તેમ કહ્યું હતું.
માણસાની જનરલ હોસ્પિટલમાં દાતાઓના સહયોગથી પ્રતિ કલાક વીસ હજાર લિટર ઓક્સિજન આપતા પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું. બીજી લહેરમાં અનેક લોકોને ઓક્સિજન બેડ માટે વલખાં મારવાં પડ્યાં હતાં, જેને પગલે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા તૈયારીઓ કરાઈ છે. માણસામાં માતા વૈષ્ણોદેવી તીર્થધામ અમદાવાદના આર્થિક સહયોગથી અને સ્થાનિક દાતાઓની મદદથી ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરાયો છે. 35 લાખના ખર્ચે પ્રતિ કલાક 20 હજાર લિટર ઓક્સિજન વહન કરી શકે તેવા પ્લાન્ટનું નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘ઓક્સિજનની શું જરૂરિયાત પડે તે બીજી લહેર પહેલાં અમે સમજી શક્યા ન હતા છતાં અમે તમામ દર્દીઓ માટે ઓક્સિજન પૂરો પાડવાનો પ્રયાસ કર્યો હતો. હવેથી ત્રીજી લહેર પહેલાં અમે તમામ તૈયારીઓ કરી દીધી છે. હું બાધા રાખું છું કે વૈજ્ઞાનિકો ખોટા પડે અને કોરોનાની ત્રીજી લહેર ન આવે. જો આવું થશે તો હું સૌથી વધારે ખુશ થઈશ.’ પ્લાન્ટ શરૂ થતાં હવે આ હોસ્પિટલમાં 60 જેટલા દર્દીઓને ઓક્સિજન સાથેના બેડની સગવડ મળી રહેશે. ઓક્સિજન પ્લાન્ટની સાથે સાથે ડાયાલિસિસ સેન્ટરનું અને જનરેટર સેટનું પણ લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમમાં મહેસાણા સાંસદ શારદાબેન પટેલ, ધારાસભ્ય સુરેશ પટેલ સહિત માણસાના સામાજિક-આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે નીતિન પટેલની બાધા..!
Advertisement