વિશ્વવ્યાપી કોરોના મહામારીની બીજી લહેર હળવી થતાં જાહેર જીવનને લગતી ઘણી બાબતોમાં નિયમો હળવા બનાવીને મોટી છુટછાટો જાહેર કરવામાં આવી છે, ત્યારે બજારોમાં માણસોની ચહલપહલ રાબેતા મુજબ થશે.કોરોના મહામારીના પ્રારંભે આપણે ત્યાં દેશવ્યાપી લોકડાઉન અમલમાં મુકાયુ હતુ. ત્યારબાદ દેશવ્યાપી લોકડાઉનને તબક્કાવાર અનલોક કરાતા જનજીવન રાબેતા મુજબ ધબકતું થયુ હતુ. પરંતુ ત્યારબાદ કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસોની સંખ્યામાં મોટો ઉછાળો આવતા જાહેર નિયમો કડક બનાવાયા હતા. દરમિયાન પાછલા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતાં ૧૧ મી જુનથી જાહેર નિયમોમાં મોટી છુટછાટો જાહેર કરવામાં અાવી છે. મુખ્યમંત્રીની આગેવાની હેઠળ મળેલ કોર કમિટીની બેઠકમાં છુટછાટોને લગતા નિર્ણયો લેવાતા જનજીવન તબક્કાવાર રાબેતા મુજબ બનવાની સાથે સાથે રેસ્ટોરન્ટ, હોટલ, બગીચા, ધાર્મિક સ્થાનો વિ. નિયમાનુસાર લોકોની મર્યાદિત હાજરી સાથે ખુલશે. કોરોનાની બીજી લહેર હળવી બનતા તંત્ર અને જનતાએ હાસકારો અનુભવ્યો છે, ત્યારે કોરોનાની ત્રીજી લહેરને અાવતી અટકાવવા જનતાએ પુરી સજાગતા રાખવી પડશે, એમાં બેમત નથી. હજી કોરોના સંક્રમણની દહેશત પુરેપુરી નથી ગઇ, ત્યારે જનતાની લાપરવાહી ત્રીજી લહેર માટે કારણભૂત ના બને તે માટે જનતાએ જ સંક્રમણથી બચવાના નિયમો ચુસ્તપણે અમલમાં મુકવા પડશે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ