ઉનાળાની વિદાયના દિવસો હાલ શરુ થયા છે. ચોમાસાની હવે વિધિવત શરુઆત થશે. ભારતમાં સામાન્યરીતે ચોમાસુ પ્રથમ કેરળમાં આવતુ હોય છે,અને ત્યારબાદ તબક્કાવાર દેશના વિવિધ ભાગોમાં ચોમસુ શરુ થાય છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં હાલ વાદળછાયુ વાતાવરણ જણાય છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કોઇ કોઇ જગ્યાએ વરસાદના છાંટાનો અમી છંટકાવ થાય છે તો કોઇ કોઇ સ્થળોએ હળવા માવઠા થાય છે. વાતાવરણમાં ઉકળાટ અનુભવતી જનતાને ક્યારેક વહેલી સવારે હળવી ઠંડીનો અનુભવ થાય છે. તેમજ અમુકવાર વરસાદના છાંટા થતાં જનતાને હાલ ત્રણેય ઋતુઓનો એહસાસ થાય છે. કોરોનાની બીજી લહેર ધીમેધીમે ઓછી થઇ રહી છે, ત્યારે બજારો ધીમેધીમે રાબેતા મુજબ થતાં મંદીનો માહોલ દુર થઇને બજારોમાં ઘરાકી ખુલવાની આશા જણાય છે. ઝઘડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ચોમાસું ખેતીને લગતી કામગીરીમાં વ્યસ્ત થશે. ઝઘડીયા રાજપારડી અને ઉમલ્લાના બજારોમાં ચોમાસાને લગતી ખરીદીના માહોલમાં તેજી આવશે એવા એંધાણ દેખાઇ રહ્યા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ