ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ગોલ્ડન બ્રિજથી ગડખોલ પાટિયા સુધી જુના નેશનલ હાઇવે નંબર 8 અને રેલવે ટ્રેક વચ્ચેની જગ્યા પર 4.5 કિમિ સુધીના લાંબા વિસ્તારમાં રેવા અરણ્ય પ્રોજેકટ અંતર્ગત ગાઢ જંગલ ઉભું કરવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને પક્ષીઓનું આશ્રયસ્થાન બની રહે તેવા વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. અંદાજીત 4.5 કિમી સુધીના વિસ્તારમાં વિવિધ 58 પ્રજાતિના દેશી વૃક્ષોનું રોપણ કરી આ વન ઉભું કરવામાં આવશે જે પક્ષીઓના આશ્રય માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરશે અને સાથો સાથ પર્યાવરણની જાળવણીમાં પણ ઉપયોગી સાબિત થશે.
ભરૂચ જીલ્લો ઔદ્યોગિક હબ તરીકે વિખ્યાત છે ત્યારે પર્યાવરણની જાળવણી માટે ભરૂચ જીલ્લાની સેવાભાવી સંસ્થાઓ પણ કટિબદ્ધતા વ્યક્ત કરી રહી છે. ભરૂચ સીટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ, સામાજિક વનીકરણ વિભાગના ઉપક્રમે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે પક્ષીઓનું આશ્રયસ્થાન બની શકે તેવા વન રેવા અરણ્ય વિકસાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. હાલ સુધીમાં બે તબકકાનું વૃક્ષારોપણ કરવામાં આવી ગયું છે. આજથી ત્રીજા અને ચોથા તબક્કાનો પ્રારંભ થશે. રેવા અરણ્ય પ્રોજેક્ટ અંતર્ગત ભાગ એક અને ભાગ બે માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં હાલ સુધીમાં 6500 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે જે પૈકી 5000 થી વધુ વૃક્ષો ઉછરી ગયા છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેવા અરણ્ય પ્રોજેકટ અંતર્ગત મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં ભરૂચ જીલ્લાના વિવિધ ઉદ્યોગો જેવા કે પી.આઈ. ઇન્ડ. પાનોલી, સુભાશ્રી પીગ્મેન્ટસ, અંકલેશ્વર, ડેક્કન ફાઈન કેમિકલ, અંકલેશ્વર, સોલ્વે ઇન્ડિયા પાનોલી, ગ્રાસીમ ઇન્ડ. વિલાયત સહિતના ઉદ્યોગો દ્વારા સી.એસ.આર. અંતર્ગત આ પ્રોજેક્ટને સહાય કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં કોવીડના કારણે મૃત્યુ પામેલ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 હજાર વૃક્ષો પણ રોપવામાં આવ્યા હતા જેમાં કોવિડ થકી મૃત્યુ પામનાર વ્યક્તિઓના સ્વજનો એ રેવા અરણય ખાતે આવે પોતાના સ્વજનની સ્મૃતિમાં એક વૃક્ષ વાવ્યું હતું. કોવિડ ની બીજી લહેરમાં ઘણા દર્દીઓના ઓક્સિજનની અછતના કારણે મૃત્યુ થયા હતા ત્યારે આવું લિલુ છમ વન ઉભું કરવાથી પ્રાકૃતિક રીતે પણ ઓક્સિજન વાતાવરણમાં મળી રહેશે.