ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ઇન્દોર ગામે દવાખાનું ચલાવતા બોગસ તબીબને પોલીસે ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે હાલ કોરોના મહામારી ચાલી રહી છે,ત્યારે તંત્ર લોકોની જીંદગી સાથે ચેડા કરતા બોગસ લેભાગુ ડોકટરો બાબતે કડક બનતા ઘણા સ્થળોએથી ડિગ્રી વગરના બોગસ તબીબો ઝડપાવાના અહેવાલો મળી રહ્યા છે.
ઉમલ્લા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ નર્મદા કાંઠા વિસ્તારના ઇન્દોર ગામેથી એલોપથી દવાઓ તેમજ કેટલાક તબીબી સાધનો સાથે પોલીસે બોગસ તબીબને ઝડપી લીધો હતો.ઉમલ્લા પીએસઆઇ વી.આર.ઠુમ્મર તથા પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતીકે ઇન્દોર ગામે એક બોગસ તબીબ દવાખાનુ ચલાવી રહ્યો છે.પોલીસે બાતમીના સ્થળે છાપો મારતા ઇન્દોર ગામે નવી નગરીમાં એક કાચા મકાનમાં બીકાસકુમાર કુમોદભાઇ બિસ્વાલ નામનો મુળ પશ્ચિમ બંગાળનો રહિશ અને હાલ ઇન્દોર ગામે નવી નગરીમાં રહીને દવાખાનું ચલાવતો જણાયો હતો. પોલીસે આ ઇસમને તેની ડિગ્રી બાબતે પુછતા તેણે કલકત્તા ખાતે આર.એમ.પી. કોર્ષ કરેલ હોવાનું જણાવ્યું હતું.તેના સિવાય મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેની સરકારી નિયમ મુજબની કોઇ ડિગ્રી નથી તેમ જણાવ્યુ હતુ. તબીબી ડિગ્રી અંગેનું મેડિકલ ડિગ્રી પ્રમાણપત્ર માંગતા તે રજુ કરી શકેલ નહિ હોવાથી આ ઇસમ બોગસ તબીબ હોવાનું જણાયુ હતુ જેથી પોલીસે તેની પાસેથી બ્લડ પ્રેસર માપવાનું સાધન, ઇન્જેક્શન સિરીંજો, સ્ટેથોસ્કોપ તેમજ વિવિધ જાતની એલોપથી દવાઓ કબ્જે લીધી હતી. પોલીસે ઝઘડીયા તાલુકા આરોગ્ય અધિકારી ડો.મહેન્દ્ર મહેતાની હાજરીમાં પંચનામું કરીને આ મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઉમલ્લા પોલીસે ઇન્દોર ગામે દવાખાનું ચલાવતા ઝડપાયેલા આ બોગસ તબીબ બીકાસકુમાર કુમોદભાઇ બિસ્વાલ વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે ભરૂચ જિલ્લામાંં અલગ-અલગ જગ્યાએ ડિગ્રી વિના દવાખાના ચલાવતા ૧૪ જેટલા બોગસ તબીબોને પોલીસે ઝડપી લીધા છે.આ સિવાય લોકોની જીંદગી સાથે ચેડા કરતા અન્ય કોઇ બોગસ તબીબો ભરૂચ જિલ્લામાંં હજી કાર્યરત છેકે કેમ તે બાબતે જિલ્લામાંં પોલીસે તપાસ આરંભી હોવાનું જાણવા મળ્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ