ગુજરાતમાં કોરોના વાયસનો કહેર યથાવત છે. પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા શહેરમાં શાંતિ તેમજ કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ કોરોનાનું સંક્રમણ પણ વધે નહીં તે માટે શહેરના જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ગોધરા શહેરમાં 4 થી વધુ લોકો એકત્ર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોરોનાની મહામારીને ધ્યાને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ગોધરા શહેરના બામરોલી રોડ અને ચિત્રા રોડ પર આવેલા બે જિમ સેન્ટર ખાતે આજે વહેલી સવારે ચેકીંગ હાથ ધરી હતી જેમાં જિમ સંચાલકો સહિત કુલ ૧૫ વ્યક્તિઓ ગુજરાત સરકારની ગાઈડલાઈન અને કોરોના સંક્રમણ અટકાવવાના જાહેરનામાનો ભંગ કરતા મળી આવ્યા હતા. પોલીસે તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કોરોનાની વૈશ્વિક મહામારી એ સમગ્ર દેશ સહિત રાજ્યમાં હડકંપ મચાવી દીધો છે. લાખો લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે હજી પણ કેટલાક લોકો કોરોનાને ગંભીરતા લેતા ના હોય તેમ સમગ્ર રાજ્ય સહિત ગોધરા શહેરમાં પણ આ જ પરિસ્થિતિ જણાઈ રહી છે. ત્યારે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ કોરોના મામલે ગંભીરતા દાખવતા ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલા માય જિમ અને ચિત્રા રોડ પર આવેલા ફિટનેસ સેન્ટર ખાતે આજરોજ વહેલી સવારે આકસ્મિક ચેકીંગ હાથ ધરતા બને જિમ પરથી સંચાલકો સહિત કુલ ૧૫ વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પંચમહાલ રાજુ સોલંકી