ગોધરા તાલુકાના સાંપા પીએચસી સેન્ટર દ્વારા મૃતક સહિત પરિવારની જાણ બહાર રસીકરણ કરવાનો કિસ્સો બહાર આવતાં જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યુ હતુ. ગોધરાના સાંપા પીએચસી સેન્ટર દ્વારા જાફરાબાદમાં રહેતા 45 વર્ષથી ઉપરના પરિવારનું રસીકરણ અંગે પરિવારના સભ્યના મોબાઇલ પર મેસેજ આવતાં પરિવાર અચંબામાં મુકાઇ ગયો હતો. ખોટા રસીકરણમાં માર્ચ 2020 માં મૃત્યુ પામેલા ભીલ કાલિદાસભાઇને 26 મે 2021 ના રોજ રસીકરણ કરી દીઘું હતું.
સાંપા પીએચસી સેન્ટર દ્વારા મૃતક સહિત પરિવારના સભ્યોના નામની ખોટી રસી મુકાવી હોવાની જાણ થતાં જિલ્લા આરોગ્ય અધિકારીને તપાસ કરવાનો હુકમ કર્યો છે અને જો જવાબદારો કસૂરવાર ઠરશે તો તેમને નોટિસ આપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પીએચસી સેન્ટર દ્વારા મતદારયાદીના વોટર આઇર્ડીના આધારે બોગસ રસીકરણ કરતાં પરિવારના સભ્યના મોબાઇલ પર વેક્સિનેશન કર્યાનો મેસેજ સાથે રસીકરણનું સર્ટિફિકેટ આવતાં રસીકરણ અભિયાન પર સવાલ ઊઠ્યા હતા. મૃતકની પત્નીએ રસી મુકાવી ન હોવા છતાં રસી મુકાઇ ગઇ હોવાના મેસેજ સાથે સર્ટિ. આવ્યું હતું. ત્યારે એકબાજુ લોકો રસી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે બીજી બાજુ મૃતકને રસીકરણ કરી દીઘું. આ સમ્રગ વેક્સિનેશન કૌભાંડની જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને જાણ થતાં તેમણે તપાસના હુકમ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપતાં આરોગ્ય વિભાગે તપાસનો દોર શરૂ કર્યો હતો.