કોરોના મહામારીમાં ઝનોર જી.ઈ.બી. ફીડરમાંથી વિજપુરવઠો ખોરવાતા ઝનોર ગામના હોમ કોરન્ટાઇન થયેલા કોરોના દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો જેને કારણે ઘણા દર્દીઓના મૃત્યુ થયા હતા. તે માટે આસપાસના રહેવાસીઓ દ્વારા જી. ઈ. બી કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી હતી.
હાલ કોરોના દર્દીઓ માટે ઓક્સિજન ખુબ જ અગત્યનો બન્યો છે સાથે હોમ કોરન્ટાઇન રહેલા લોકોને ઘરની અંદર એક રૂમમાં જ પુરાઈને રહેવું પડતું હોય છે તેવામાં વિજપુરવઠો ખોરવાઈ જવું ઘણી તકલીફ રૂપ બને છે. ઝનોર ગામ ખાતે આવેલ જી. ઈ. બી. ફીડરમાંથી આંગરેશ્વર, ઝનોર, ધર્મશાળા, નિકોરા, સિંધોટ, નાંદ, ભરથાણા, શાહપુરા વગેરે ગામોમાં મોટા પ્રમાણમાં લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયેલા છે અને સરકારી ગાઇડલાઇન મુજબ હોમ કોરન્ટાઇન અને જે લોકો આર્થિક પછાત છે તે લોકો ઓક્સિજન સિલિન્ડર સાથે ઘરમાં જ સારવાર લઇ રહ્યા છે. હાલની ઉનાળાની ઋતુ ચાલતી હોય અને ઝનોર અને આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ન મળવાથી ખેતરોમાં સિંચાઈનુ પાણી ન મળવાને કારણે ફૂલની ખેતીમાં પણ કરોડોનું નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે. જેથી ખેડૂતો અને રહેવાસીઓ દ્વારા બંધ રાખેલ લાઈન ચાલુ કરવા અને બંધ રાખવામાં આવેલ પુરવઠા માટે જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી.