કોરોનાના કહેરને પગલે ગુજરાત સરકારે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડની પરીક્ષામાં માસ પ્રમોશન આપ્યું છે. ધોરણ 12 ની પરીક્ષા કેવી રીતે લેવાશે તે અંગે અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ધોરણ 12 ની પરીક્ષા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વૈકલ્પિક અને ટૂંકા જવાબને આધારે પરીક્ષા લઈ શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય રીતે લેવાતી પરીક્ષાની રીતે પરીક્ષા લેવા જાય તો ત્રણ કલાકનો સમય જોઈએ. જોકે વૈકલ્પિક અને ટૂંકા પ્રશ્નોના પરીક્ષા પદ્ધતિમાં 90 મિનિટમાં પરીક્ષા આપવાની રહે છે. ધોરણ 12 ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા 1 જુલાઈથી શરુ થશે, 1 લાખ 40 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 સ્કૂલો મળી કુલ 10,977 સ્કૂલોમાં ધોરણ-10 ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે. રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12 ની બોર્ડની પરીક્ષાઓ જે તા. 10 મી મે થી 25 મી મે સુધી યોજાવાની હતી તે પ્રવર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં મોકૂફ રાખવાનો નિર્ણય ગત તા.15 એપ્રિલે કરેલો છે. રાજ્ય સરકારે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય 15 મી એપ્રિલે કર્યો ત્યારે એવું જાહેર કરેલું કે તા. 15 મી મેએ કોરોના સંક્રમણ સ્થિતિનું આકલન કરીને પુન: સમીક્ષા બાદ પરીક્ષાની નવી તારીખો વિદ્યાર્થીઓને તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપીને જાહેર કરવામાં આવશે.