સરકાર દ્વારા વેક્સિનેશનના નિયમોમાં ફેરફાર કરાયા છે. દેશમાં કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે પરંતુ આમ છતાં હજુ જોખમ ટળ્યું નથી. કોરોના સામે સૌથી મહત્વનું હથિયાર રસી છે. હવે સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પણ રસીકરણ શરૂ કરી દીધુ છે. પહેલા 18 થી 44 વર્ષના લોકોએ રસી મેળવવા માટે કોવિન પોર્ટલથી એપોઈન્ટમેન્ટ લેવી જરૂરી રહેતી હતી. પરંતુ હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ નિયમને બદલી નાંખ્યો છે. હવે 18 થી 44 વયગ્રુપના લોકોને વેક્સિનેશન માટે ઘણી રાહત મળી છે.
નવા નિયમ મુજબ, આ લોકો વેક્સિનેશન સેન્ટર પર જઇને નોંધણી કરાવી શકશે અને એપોઇન્ટમેન્ટ લઈ શકશે. આ સુવિધા હાલમાં સરકારી વેક્સિનેશન સેન્ટરો પર આપવામાં આવશે. કેન્દ્રએ આ સૂચના તમામ રાજ્યોને મોકલી છે અને તેમને સ્થળ પર નોંધણી સુવિધા શરૂ કરવા જણાવ્યું છે. એ રાજ્યો પર આધાર રાખે છે કે તેઓ આ સુવિધા પોતાને ત્યાં શરૂ કરે છે કે નહીં. રાજ્યોમાંથી વેક્સિન માટે સ્લોટ બુક કરાયા પછી પણ લોકો વેક્સિનેશન સેન્ટર સુધી પહોંચતા ન હતા. એવામાં વેક્સિનના વેસ્ટેજની બાબતો વધી રહી હતી. આ અહેવાલોના આધારે જ કેન્દ્રએ આ નિર્ણય લીધો છે. આ સિવાય ગ્રામીણ વિસ્તારોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.