ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ધારોલી ગામના ખેડૂતોએ આજે દક્ષિણ ગુજરાત વીજ કંપની વાલિયા ખાતે આવેદન આપીને આબોસ ફીડરને નિયમિત વીજ પુરવઠો આપવા માંગ કરી હતી.
ખેડૂતોના જણાવાયા મુજબ વાલિયા ડીજીવીસીએલ નું આબોસ ફીડર ખુબજ લોડવાળુ ફીડર છે. ઉપરાંત ધારોલી ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું સબ સ્ટેશન મંજુર થઇ ગયુ હોઇ, સાત આઠ મહિનાથી સબ સ્ટેશન તૈયાર હોવા છતાં આ સબ સ્ટેશન દ્વારા વીજ પુરવઠો ચાર્જ કરવામાં આવતો નથી. હાલમાં ફુંકાયેલા વાવાઝોડાના કારણે સાત આઠ દિવસથી વીજ પુરવઠો સંપૂર્ણ બંધ હોવાથી ખેતીના વિવિધ પાકોને પાણી વિના નુકસાન થવાની દહેશત રહેલી છે. ત્યારે તાકીદે વીજ પુરવઠો ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.વાલિયાથી આબોસ ફીડર પર લોડ વધુ હોવા ઉપરાંત લાઇન પણ ઘણી લાંબી છે. અવારનવાર વીજ પુરવઠો ખોરવાય છે. તેથી તાત્કાલિક ધારોલી સબ સ્ટેશન ચાર્જ કરીને આબોસ ફીડરને ધારોલી સબ સ્ટેશનમાં જોડીને ખેડૂતોને નિયમિત વીજ પુરવઠો મળે એવી વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે. ઉપરાંત રાત્રે ખેતરોમાં જાનવરોનો ખતરો હોવાથી વીજ પુરવઠો દિવસ દરમિયાન આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. રજુઆતની નકલ વીજ કંપનીના ભરૂચ અને અંકલેશ્વર ખાતેના કાર્યાલય ખાતે પણ મોકલીને ખેડૂતોએ તાત્કાલિક સમસ્યાનો હલ લાવવા માંગ કરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ