સમગ્ર રાજ્યના લોકો હાલ કોરોના મહામારી સામે લાચાર બન્યા છે, ભરૂચ જિલ્લામાં પણ કોરોના મહામારીના કારણે છેલ્લા ઘણા સમયથી વેપાર ધંધા ઉપર જાણે કે બ્રેક વાગી હોય તેમ ગરીબ અને મધ્યવર્ગથી લઇ સૌ કોઈની આર્થિક સ્થિતિ બગડી છે, પરંતુ તે વચ્ચે પણ જાણે કે નશાનો વેપલો કરતા તત્વોને છૂટો દોર મળ્યો હોય તેવી બાબતો ચર્ચાનું કેન્દ્ર બની છે.
ભરૂચ શહેરમાં અને ખાસ કરીને એ ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં દારૂનું દૂષણ જાણે કે દિન પ્રતિદિન વધી રહ્યું છે, ભરૂચના ધોળીકુઈ વિસ્તારના નામચીન બુટલેગર જીતુ ખત્રીને સુરત રેલવે લોકલ ક્રાઈમ બ્રાંચે ભરૂચ-અંકલેશ્વર રેલવે સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાંથી ઝડપી પાડ્યો હતો. ગાજીપૂર એક્સપ્રેસ ટ્રેનમાં ભારતીય બનાવટના વિદર્શી દારૂનો જથ્થો લઈને ભરૂચ આવી રહ્યો હતો, તે દરમિયાન પોલીસે દરોડા પાડી ૪૯,૫૦૦ નાં મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ કરી છે.
મળતી માહીતી મુજબ મુંબઈના બોરીવલીથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને ભરૂચ સુધી બિંદાસ વહન કરીને લાવી આ જથ્થો ઉતારવામાં આવે છે અને રેલવે સ્ટેશન ખાતે લાગેલ લોખંડની ઘડિયાળ પાસેની ગલીમાંથી એ જથ્થાને નજીકમાં જ આવેલા શહેરના ધોળીકુઈ બજાર વિસ્તાર તરફ લઈ જવાય રહ્યો છે, ત્યારે અહીંયા રેલવે પોલીસ અને શહેર એ ડિવિઝન પોલીસ મથક શુ આ બાબતોથી અજાણ છે કે બધું જાણીને પણ આંખ આડા કાન કરી બુટલેગરોને ધંધો કરવા અને પોતે ગાંધી છાપ કાગળના બદલો લઇ યુવાધનને નશાની લતના રવાડે ચઢાવી રહી છે તેવી ચર્ચાઓ સામે આવી રહી છે.
મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ લોકડાઉન વચ્ચે સ્ટેશનમાં બિંદાસ ફરતો આ બુટલેગર ભરૂચ રેલવે પોલીસના હાથે ઝડપાયો હતો જેની સામે માત્ર જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે ભરૂચ રેલવે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે કારણ કે આ નામચીન બુટલેગર કે જે પાસામાં જઈને આવ્યો છે તે આખરે લોકડાઉન વચ્ચે રેલવે સ્ટેશનમાં શુ કરતો હતો તેની ઊંડાણપૂર્વકની તપાસ પોલીસે કરવી જોઇતી હતી, પરંતુ જાહેરનામાની સામાન્ય કલમો લગાડી આ બુટલેગર છુટી ગયો હતો, ત્યારબાદ ફરી પોતાના નશાના કારોબારને ધમધમાવતા આખરે સુરત રેલવે લોકલ ક્રાઈમ બ્રાંચે એક્શનમાં આવી તેની ધરપકડ કરી હતી. સવાલ એ થાય કે દારૂનો જથ્થો આખરે શહેર સુધી કંઈ રીતે પહોંચી રહ્યો છે, સૂત્રોના જણાવ્યા મુજબ લોકડાઉન અને માર્ગો ઉપર પોલીસના ચેકીંગથી બચવા હવે બુટલેગરો ટ્રેનોનો સહારો લઇ રહ્યા છે.
ભરૂચના રેલવે સ્ટેશન પર જ્યાં ટ્રેનો મારફતે દારૂ ઘુસાડવાની બાબતો સામે આવી છે, તેવામાં બિંદાસ બનેલા આવા તત્વો પર શુ પોલીસ વિભાગ જ મહેરબાન છે કે પછી હપ્તા સિસ્ટમે ભરૂચની સિસ્ટમ ખોખલી કરી મૂકી છે તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, ભરૂચ જિલ્લામાં ક્રાઇમ રેટ ઘટાડવા માટે આવા નશાના દુષણના વેપારીઓ સામે કડક બનવું જરૂરી બન્યું છે. પોલીસે દ્વારા આવા તત્વો પર બે ત્રણ મહિને એક કે બે કેસો કરી આનંદ માણતી પોલીસે વધુ સક્રિય થવાની જરૂર છે જો આવા તત્વો શહેરમાં બિંદાસ આ જ રીતે પોતાનો વેપલો કરતા રહ્યા તો શહેરના યુવા વર્ગનું ભવિષ્ય જોખમાય રહ્યું છે, ત્યારે આ તત્વો શહેરને કઈ દિશા તરફ લઈ જઇ રહ્યા છે તેવી બાબતો ઉપર ઉચ્ચસ્તરે ગાંધીવાદી વિચારધારા ધરાવતા અધિકરીઓ માટે પણ મંથન કરવા સમાન બની છે.