ગુજરાતના “તાઉ-તે” વાવાઝેાડાના પગલે અને તેની અસરના ભાગરૂપે રાજપીપલા શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષો અને વીજ થાંભલાઓ ધરાશાયી થતા રેસ્ક્યુની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ હતી.
જેમાં વાવાઝોડાના ભારે પવન અને વરસાદને લીધે નર્મદા જિલ્લામાં નુકશાન પામેલ કુલ ૪ રસ્તાઓ પર ધરાશાયી થયેલ વૃક્ષોને જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા યુધ્ધના ધોરણે હટાવી સત્વરે રસ્તાનો ટ્રાફિક શરૂ કરવામાં આવ્યો હતો. તા. ૧૮ મી મે, ૨૦૨૧ ની સાંજ સુધીમાં જિલ્લાની ૪ જુદી-જુદી ટુકડીઓ દ્રારા ૪ રસ્તાઓ પર કુલ-૧૦ જેટલા વૃક્ષોને રસ્તા પરથી દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ડેડીયાપાડા તાલુકાના મોવીથી ડેડીયાપાડા રસ્તા પરથી ૩ વૃક્ષો, ડેડીયાપાડાથી ચીકદા રસ્તા પરથી ૨ વૃક્ષો, નાંદોદ રસેલા પોઇચા રસ્તા પરથી 3 વૃક્ષો અને પોઇચા એપ્રોચ રોડ પરથી ૨ વૃક્ષોને દૂર કરવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) નર્મદા જિલ્લાના કાર્યપાલક ઇજનેર આઈ.વી.પટેલે આપેલી ઉક્ત જાણકારી મુજબ જિલ્લામાં “તાઉ-તે” વાવાઝોડાને લીધે રસ્તાના સ્ટ્રક્ચરને અન્ય કોઈ નુકશાન થયેલ નથી તથા જિલ્લાના દરેક રસ્તાઓ હાલ ટ્રાફિકેબલ હાલતમાં છે.
તેવી જ રીતે નર્મદા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એસ.વી. પટેલે આપેલી જાણકારી મુજબ “તાઉ-તે” વાવાઝોડા અને ભારે પવન-વરસાદને લીધે જિલ્લા પંચાયત હસ્તકના નાવરા-વરાછા-વડીયા તલાવ રોડ પર ધરાશાયી થયેલ ૧ વૃક્ષ, રાલ્દા-કનબુડી રોડ પર-૨ વૃક્ષ, સાવલી-વધેલી રોડ પર-૧ વૃક્ષ સહિત કુલ-૩ રસ્તાઓ ઉપર ધરાશાયી થયેલા કુલ-૪ વૃક્ષોને ફરજ ઉપરની બે ટુકડીઓ દ્વારા યુધ્ધના ધોરણે દૂર કરી વાહન વ્યવહાર પુન: શરૂ કરવામાં આવેલ છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા