તૌકતે વાવાઝોડાએ છેલ્લા 4 દિવસમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં દહેશત ફેલાવી હતી જેને કારણે ઠેર-ઠેર ખેતી, વીજ પુરવઠા સહિત અન્ય ઘણા લોકોને નુકસાન પહોંચ્યું હતું. તે જ રીતે સમગ્ર ભરૂચ જિલ્લામાં પણ તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. જિલ્લામાં લોકોને ઘણું નુકસાન થયું હતું.
રિપોર્ટ અનુસાર ભરૂચ શહેરમાં લગભગ 10 જેટલાં કાચા મકાનો ધરાશાય થયા હતા. દહેશતને કારણે 3 જેટલાં પાકા મકાનોમાં મોટી તિરાડો પડી હતી, 45 થી વધુ વૃક્ષ જમીન દોષ થયા હતા અને 7 જેટલાં મકાનોના પતરા ઉડી ગયા હતા જેની સંપૂર્ણ કામગીરી ભરૂચ નગરપાલિકા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. વાવાઝોડા દરમિયાન નગરપાલિકા વિભાગની 8 ટિમો દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. જેમાં ટિમો અડીખમ રહીને લોકોની સેવામા ફરજ બજાવી રહ્યા હતા અને જેઓના મકાન પડી ગયા હતા તેઓનું સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. હાલ ભરૂચમાં કોઈને જાનહાની થઈ હોય તેવા અહેવાલ સામે આવ્યા નથી. વાવાઝોડુ શાંત થતાની સાથે જ નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી જેથી હાલ કામ પૂર્ણ થયું છે પરંતુ ટિમો દ્વારા સર્ચ ઑપરેશન સતત ચાલુ છે જેને પગલે લોકોની રજુઆત સમક્ષ યોગ સર્વે કરીને કામગીરી કરવામાં આવશે.