વડોદરા જિલ્લાના કરજણ નગર મોહમ્મદ નોમાને માત્ર સાત વર્ષની નાની વયે મસ્જિદમાં બેસી પાંચ દિવસ એતેકાફ કરી મહામારી દુર થાય એ માટે દુઆ કરી હતી. મુસ્લિમ સંપ્રદાયમાં પવિત્ર રમઝાન માસનો એક અનેરો મહિમા છે. રમઝાન માસમાં યુવાનો, અબાલ, વૃધ્ધો સૌ આખા માસમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રોજા રાખી અન્ન જળનો સંપૂર્ણ ત્યાગ કરી પોતાના રબને રાજી કરવાનો પ્રયાસ કરે છે. તો સાથે સાથે રમઝાન માસના અંતિમ દસ દિવસોમાં મસ્જિદમાં એક જગ્યાએ બેસી સર્વ ત્યાગ કરી એતેકાફ પણ કરે છે.
હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં કરજણ નગરના સાત વર્ષના નાના બાળકે એતેકાફમાં બેસી દુઆ કરી હતી. કરજણ નગરની હુસેન ટેકરીમાં રહેતા ખત્રી મોહમ્મદ અયાઝના સુપુત્ર ખત્રી મોહમ્મદ નોમાને સાત વર્ષની વયે પોતાની સર્વસ્વ દિનચર્યાનો ત્યાગ પાંચ દિવસ માટે મસ્જિદમાં બેસીને દેશ અને વિશ્વમાંથી કોરોના જેવી મહામારી દુર થાય એ માટે દુઆ કરી હતી. એકદમ નાની વયે મોહમ્મદ નોમાને એતેકાફ કરતા ચોમેરથી નોમાનની પ્રશંસાઓ થઇ રહી છે અને આ નાના બાળકની હિંમતને લોકો બિરદાવી રહ્યા છે…
યાકુબ પટેલ : કરજણ