ભરૂચ સહિત સમગ્ર ગુજરાત એક તરફ કોરોના સામે ઝઝૂમી રહ્યું છે ત્યાં નવી આફત રૂપે તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઈ જિલ્લા વહીવટી તંત્રે આગોતરી તૈયારીઓ આદરી તાકીદની બેઠક યોજી હતી. દરમિયાન દહેજ બંદરે ભયસુચક 1 નંબરનું સિગ્નલ લગાડી દેવાયું છે સાથે વાવઝોડાની દ્રષ્ટિને પગલે માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. સંભવિત તૌકતે વાવાઝોડાના કારણે અરબી સમુદ્રમાં સર્જાયેલી ડીપ્રેશનને પગલે ભારતીય હવામાન વિભાગ દ્વારા પત્ર પાઠવતા દહેજ બંદરે 1 નંબરનું સિગ્નલ શુક્રવારે બપોરે 1:30 કલાકથી લગાવી દેવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે 5 જેટી, માછીમારો અને કાંઠા વિસ્તારોના ગામોને એલર્ટ કરી માછીમારોને સમુદ્ર નહિ ખેડવા સુચન કરાયુ છે. દ્રીપમાં માછીમારી કરવા ગયેલ બોટ પરત બોલાવી લેવામાં આવી હતી. દરિયામાં દુરવર્તી વાવાઝોડાનો ખતરો દર્શાવવા માટે 1 નંબરનું સિગ્નલ લગાવાય છે. ભારતીય હવામાન વિભાગે પાઠવેલા આ સિગ્નલનો ઉપયોગ દુરથી વાવાઝોડાની ચેતવણી આપવા માટે થાય છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ્રેશન આગામી 48 કલાકમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાય તેવી શકયતા છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડાની વધારે અસર વર્તાવવાની શકયતાના પગલે ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને વહીવટી તંત્ર સલામતીના પગલે એલર્ટ થયું છે. દરિયાકાંઠાના વિસ્તાર પરથી 300 થી વધુ બોટ ભાડભૂત કાંઠે લંગારવામાં આવી છે.
કોરોના વચ્ચે તૌકતે વાવાઝોડાની સામે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ !..માછીમારોને કર્યા સાવચેત…
Advertisement