ભરૂચની જંબુસર ચોકડી પાસે આવેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા હતી તે દરમિયાન 16 દર્દીઓ સહિત 18 લોકોના મોત નિપજ્યા હતા, આ મામલે બી ડિવિઝન પોલીસ મથકે હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે બેદરકારી દાખવવાનો ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જાણવું હવે એ છે કે ગુનાનું જવાબદાર તંત્રની બેદરકારી છે કે પછી ટ્રસ્ટીઓની આંખ ન ખુલી ?
ભરૂચની જંબુસર ચોકડી નજીક આવેલ પટેલ વેલ્ફેર હોસ્પિટલને ભરૂચ વહીવટી તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી જેમાં ગત તારીખ 1 લી મે ની રાત્રીએ આઈ.સી.યુ.વિભાગમાં અચાનક ભયંકર આગ ફાટી નીકળતા સારવાર લઈ રહેલા કોરોનાના 16 દર્દી સહિત કુલ 18 લોકોના મોત નિપજ્યા હતા. જે તપાસ દરમ્યાન અને તજજ્ઞોના અભિપ્રાયો બાદ વેલ્ફેર હોસ્પિટલનાં નવા બિલ્ડીંગમાં ફાયર વિભાગની એન.ઓ.સી. સિવાય અને ફાયર સેફટી માટેના આગ નિયંત્રક ઉપકરણ ગોઠવ્યા સિવાય વહીવટી નીતિ નિયમોનો ભંગ કરી કોવિડ હોસ્પિટલ ચાલુ રાખવાની જાણ થઈ છે. મામલે તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી હતી. જોકે મામલામાં હવે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. જેની આગળની તપાસ એમ.પી. ભોજાણી, એસ.સી.એસ.ટી. સેલ ભરૂચને સોંપવામાં આવે છે.
ભરૂચ વિભાગીય પોલીસ વડા વિકાસ સુંડાએ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર વેલ્ફેર હોસ્પિટલનના સંચાલકોને જૂની બિલ્ડીંગમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હતી. આમ છતા સંચાલકોએ તંત્રની પૂર્વ મંજૂરી અને બી.યુ.સર્ટિફિકેટ વગર નવા બિલ્ડીંગમાં હોસ્પિટલ શરૂ કરી હતી. આ ઉપરાંત ફાયર સેફટી અંગેના પણ કોઈ પગલા ન લેવાયા હતા જેના પગલે હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા 18 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે હોસ્પિટલના ટ્રસ્ટી ખાલિદ ફાંસીવાલા સહિતના અન્ય ટ્રસ્ટીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.