ભરૂચ જીલ્લામાં કોરોના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં વિનામુલ્યે સારવાર ન મળતા અંકલેશ્વરનાં કોંગ્રેસી આગેવાન મગન બી. પટેલ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર સમક્ષ લેખિત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર હાલ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે 18 એપ્રિલના રોજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ ધારકોને માટે જાહેરાત કરી હતી. આ અંગે સરકાર તરફથી હાઇકોર્ટને એફિડેવિટ પણ આપવામાં આવે છે. પરંતુ રિપોર્ટ અનુસાર કોઈ પણ ખાનગી હોસ્પીટલમાં આયુષ્યમાન કાર્ડ અને માં કાર્ડ ધરાવતા કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવતી નથી. સરકાર દ્વારા ચોક્કસ પરિપત્ર બહાર નહીં પાડતાં ખાનગી લોકપયોગી યોજના માત્ર કાગળ પર જ રહી ગઇ છે. નોંધનિય છે કે, છેલ્લાં 20 દિવસમાં જ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા 2872 કેસ નોંધાયાં છે. જે અત્યાર સુધીના કુલ આંકના 35 ટકા કેસ છે.
કોરોના મહામારીએ પોતાનું સ્વરૂપ બદલતાં હવે તે વધુ ઘાતક અને ઝડપથી ફેલાતી બિમારી બની ગઇ છે. શહેરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારને પણ કોરોના મહામારીએ પોતાનો પંજો ફેલાવ્યો છે ત્યારે કોરોના સંક્રમણ થતાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પર બિમારી સહિત આર્થિક સંકટ સર્જાયું છે જેને પગલે માં કાર્ડ તેમજ આયુષ્યમાન કાર્ડમાં આવરી લેવાતી બિમારીઓમાં કોવિડ-19 ને પણ સમાવી લેવામાં આવે તેવી માંગ ઉઠતાં ગત 18 મી એપ્રિલના રોજ રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર માટે મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ માન્ય રહેશે અને તેના ઉપયોગથી દર્દીઓની સારવાર વિના મુલ્યે થઇ શકશે તેવી જાહેરાત કરી હતી. આથી સરકાર દ્વારા ગાઈડલાઇન નક્કી કરી પરિપત્ર પાઠવવામા આવે અને ભરૂચ જિલ્લાની ખાનગી હોસ્પિટલોને જાણ કરવામાં આવે આથી કોરોનાની સારવારમાં થતાં મોટા ખર્ચને મધ્યમ વર્ગીય પરિવારો પણ કોવિડ-19 ની સારવાર મેળવી શકે. કોરોનાની મહામારીમાં અનેક મધ્યમવર્ગીય પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તો આગામી સમયમાં કોરોનાના દર્દીઓ પણ ખાનગી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે તમામ ખાનગી હોસ્પિટલોમાં જાણ કરવા આપની સમક્ષ માંગણી છે.