રાજપીપલા : કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સારવારમાં ઓક્સિજનની જરૂરીયાતવાળા દર્દીઓ માટે જિલ્લામાં પૂરતાં પ્રમાણમાં ઓક્સિજનની જથ્થા ઉપલબ્ધિ માટે નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે.હૈદર અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ દ્વારા થઇ રહેલાં સતત પ્રયાસોના ફલ સ્વરૂપે નર્મદા જિલ્લાને આજે તા. ૧૨ મી મે, ૨૦૨૧ ના રોજ એક્સપ્રેસ કેન્ટો-કચ્છ તરફથી વધુ ૨૦૦ જેટલા ઓક્સિજનના સિલીન્ડરનો જથ્થો પ્રાપ્ત થયો છે, રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે આજે પ્રાપ્ત થયેલ ઉક્ત જથ્થામાંથી દેડીયાપાડા સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલને – ૫૦ સિલીન્ડર, ગરૂડેશ્વર સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલને – ૫૦ સિલિન્ડર તેમજ સાગબારા સામૂહિક આરોગ્ય કેન્દ્રને-૫૦ સિલિન્ડર અને તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રને-૫૦ સિલિન્ડરનો જથ્થો ફાળવવામાં આવ્યો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજપીપલામાં આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત નર્મદા જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ૧ હજાર લીટરની ક્ષમતાવાળી ૨ પોટા ટેન્ક, ૨૦૦ લીટરની ક્ષમતાવાળી ૩ ડ્યુરા ટેન્ક તેમજ ૭૦૦ જેટલા ઓક્સિજન સિલીન્ડરના જથ્થાની સુવિધા ઉપલબ્ધ છે. નર્મદા જિલ્લાને આજે ઉક્ત ૨૦૦ ઓક્સિજનના સિલિન્ડરનો વધુ જથ્થો પ્રાપ્ત થતાં, હવે હાલની સ્થિતિએ જિલ્લામાં કુલ-૯૦૦ જેટલાં ઓક્સિજનના સિલિન્ડરની ક્ષમતા સાથેની સુવિધા ઉપલબ્ધ બની હોવાના અહેવાલ જિલ્લા પ્રશાસન તરફથી પ્રાપ્ત થયાં છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા