ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં દરરોજના 100 થી વધું કોરોના પોઝિટિવના કેસો સામે આવી રહ્યાં છે. જેની સામે રિકવરી રેસિયો પણ વધી રહ્યો છે જેને કારણે રાહત અનુભવાઇ રહી છે.
જિલ્લામાં કોરોનાથી મૃત્યુની સંખ્યા વધુ નોંધાઇ રહી છે. રોજના 30 થી વધુ લોકો કોરોના મહામારીના ઝપેટમાં આવવાથી મોતને ભેટી રહ્યાં છે.
ભરૂચ જિલ્લામાં મંગળવારે કોરોનાના નવા 143 કેસ નોંધાતાં જિલ્લાનો કુલ આંક 8478 પર પહોંચ્યો છે. જેમાં ભરૂચમાં સૌથી વધુ 48, અંક્લેશ્વરમાં 39, આમોદમાં 11, નેત્રંગમાં 10, વાગરામાં 9, જંબુસરમાં 8, હાંસોટમાં 7 તેમજ વાલિયા અને ઝઘડિયામાં 5-5 કેસ નોંધાયો હતો. અત્યાર સુધીમાં 6802 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે હાલમાં 1591 એક્ટિવ કેસ છે. જિલ્લાના 3 દર્દીઓના ડેથ ઓડિટ રિપોર્ટ આવતાં સરકારી ચોપડે મૃત્યુઆંક 85 થયો હતો. જોકે, કોવિડ સ્મશાન ખાતે આજે મંગળવારે 33 લોકોને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.