ભરૂચ જિલ્લામાં શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. જિલ્લામાં અત્યાર સુધી 5523 દર્દી ગ્રામ્ય વિસ્તારમાંથી અને 2813 શહેરી વિસ્તારમાં નોંધાયા છે. શહેરમાં પણ અંકલેશ્વર અને ભરૂચમાં સૌથી વધુ દર્દી નોંધાયા છે. છેલ્લા 3 સપ્તાહમાં 556 દર્દી નોંધાયા છે તેની સામે ગ્રામ્ય વિસ્તારમાં 1399 દર્દી વધુ નોંધાયા છે. તંત્ર દ્વારા જ્યાં શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણ રોકવા રાત્રિ કર્ફ્યુ તેમજ દિવસના આંશિક લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે. જિલ્લામાં અત્યારસુધી ચાર નગરપાલિકા અને નોટીફાઈડ વિસ્તારમાં 2774 દર્દી નોંધાયા છે જયારે નવ તાલુકા વિસ્તારમા 5523 દર્દી નોંધાયા છે. તેની સામે અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં 4382 દર્દી સાજા થયા છે. જયારે શહેરી વિસ્તારમાં 2813 સામે 2234 દર્દીઓએ કોરોનાને માત આપી છે. કોરોનાની બીજી લહેરમાં હવે શહેરી વિસ્તાર સામે ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વધ્યું છે.
છેલ્લા 3 સપ્તાહના ડેટા એનાલિસ કરતા શહેરી વિસ્તારમાં 21 દિવસ માં એટલે 3 સપ્તાહમાં 556 દર્દી નોંધાયા છે. તેની સામે ગ્રામ્ય વિસ્તારમાં 1399 દર્દી વધુ નોંધાયા છે. જે જોતા કોરોનાની પીક હવે ગ્રામ્ય વિસ્તારમાં વધુ ફેલાઈ રહી હોવાનું સરકારી રેકર્ડ દર્શાવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સારવાર મોડી થવાના કારણે વધારે ક્રિટિકલ બનતી હોય તેમ જણાઈ રહ્યું છે.
ગ્રામ્ય વિસ્તારના લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે. તેથી કોરોના સંક્રમણના શરૂઆતના દિવસોમાં શારિરીક ક્ષમતા વધારે હોવાથી શરૂઆત માં ખ્યાલ આવતો નથી. જોકે બાદમાં તાવ-શરદીની સામાન્ય દવાઓ લે છે. ત્યા સુધીમાં સંક્રમણના શરૂઆતના સાતેક દિવસ નિકળી જાય છે. તેથી જ્યારે શહેરની હોસ્પિટલો સુધી પહોચે ત્યારે દર્દી ક્રિટિકલ થઇ જાય છે.
જિલ્લામાં ગઈકાલે કોરોનાના નવા 115 કેસ નોંધાયા હતા. જ્યારે 195 ને રજા અપાતા અત્યાર સુધીમાં કુલ 6616 લોકો સાજા થયા છે. વધુ બે વ્યક્તિના ડેથ ઓડિટ રિપોર્ટ આવતા જિલ્લાનો સત્તાવાર કુલ મૃત્યુઆંક 82 પર પહોંચ્યો છે. નવા કેસમાં ભરૂચ નગર અને તાલુકામાં સૌથી વધુ 36 કેસ નોંધાયા હતા. જ્યારે અંકલેશ્વરમાં 33, આમોદમાં 13, વાગરામાં 10, ઝઘડિયામાં 9 વાલિયામાં 5, જંબુસરમાં 4 અને હાંસોટમાં 3 કેસ નોંધાયા છે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ની ગાઈડલાઈન પાલન જે ઓછું જોવા મળે છે માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે. તેમજ હોમ આઇસોલેશનના નિયમો યોગ્ય રીતે પાલન થતું નથી અને આજે પણ તાવ આવે કે અન્ય લક્ષણ દેખાય તો ઈલાજ કરતા ડરે છે અને યોગ્ય સમયે સારવાર લેતા નથી.