કોરોના મહામારીમાં સમગ્ર રાજ્યમાં કોરોનાનાં સતત કેસો વધી રહ્યા છે ત્યારે સરકાર સદંતર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ જિલ્લાઓમાં તંત્રની નિષ્ફળતા સામે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.
ભરૂચમાં પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી અને સિવિલ હોસ્પિટલ ખાતે ધરણા યોજી હાથમાં પ્લે કાર્ડ લઇ તંત્ર આ મહામારીના સમયમાં લોકોને સુખ સુવિધા આપવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપ સાથે દેખાવો કર્યા હતા.
જિલ્લા કોંગ્રેસ સમિતિના પરિમલસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, તે વચ્ચે તંત્ર આંકડા છુપાવવાની રમત રમી રહ્યું છે, સાથે જ શહેર અને જિલ્લામાં અનેક હોસ્પિટલમાં બેડની પૂરતી વ્યવસ્થા નથી અને વેન્ટિલેટર, ઓક્સિજનની અછત પણ દર્દીઓના સ્વજનો વચ્ચેથી સામે આવી રહી છે તેવામાં લોકોની મદદ તંત્ર સદંતર નિષ્ફળ નીવડયું છે જેની સામે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિએ ધરણા યોજી તંત્રની નીતિનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસ દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ ધરણાના કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, કોંગી અગ્રણી સંદીપ માંગરોલા, જંબુસરના ધારાસભ્ય સંજય સિંહ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તો સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં એન.એસ.યુ આઈ. ના યોગી પટેલ સહિત તેઓના સમર્થકોએ હાજર રહી કોરોના કાળમાં દર્દીઓને મદદરૂપ થવામાં તંત્ર નીષ્ફળતા નીવડ્યું હોવાના આક્ષેપ કર્યા હતા.