ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે, કોરોનાની ચેઇન તોડવા માટે તંત્ર દ્વારા અનેક નિયંત્રણો મુકવામાં આવી રહ્યા છે, શહેરમાં માત્ર આવશ્યક સેવાઓ સિવાયના તમામ વેપાર ધંધા બંધ છે, તે વચ્ચે શાકભાજીના વિક્રેતાઓ અને ખરીદી કરવા આવતા લોકો હવે બેદરકારી દાખવી રહ્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.
ભરૂચના આલી કાછીયાવાડ વિસ્તારમાં શાકભાજી વેચાવા માટે આવેલ લારી ધારક બિંદાસ અંદાજમાં માસ્ક વગર ફરતો હોય અને તેની પાસે ખરીદી કરવા માટે આવેલ મહિલાઓ પણ જાણે કે શહેર કોરોના મુક્ત બન્યું હોય તે પ્રકારે માસ્ક વગર ખરીદી કરતા નજરે પડતા જાગૃત નાગરિકે આખરે વીડિયો બનાવી સોશિયલ મિડિયામાં આ પ્રકારની બેદરકારી સામે અવાજ ઉઠાવ્યો છે.
મહત્વની બાબત છે કે વધતા સંક્રમણની ચેઇનને તોડવા લોકોએ પણ હવે જાગૃતતા દર્શાવવી ખૂબ જરૂરી બની છે, શહેરની શેરીઓ અને મહોલ્લાઓ તેમજ સોસાયટીમાં આવતા લારી ધારકો તેમજ ફેરીયાઓને માસ્ક વગર પ્રવેશ ન આપવો જોઈએ તેમજ તેઓ પાસે માસ્ક ન હોય તો માસ્ક આપી તેને કોરોનાની ગાઇડલાઈન મુજબ પ્રવેશ આપવા જોઈએ તે જ સમયની માંગ છે, કારણ કે ભૂતકાળમાં પણ સુપર સ્પ્રેડરના કિસ્સામાં અનેક શાકભાજી વિક્રેતાઓની ભૂમિકા સામે આવી ચૂકી છે.
તેવામાં તમારા ઘરના સભ્યોને કોરોના જેવા વાયરસથી રક્ષણ માટે અને પરિવારના સભ્યોની સુરક્ષા માટે તંત્રની ગાઇડ લાઈનનું ચુસ્ત પાલન કરવું અને નિયમોને આધીન કોઈ પણ જગ્યાઓ અથવા આ પ્રકારે આવતા લારી ધારકો પાસેથી ખરીદી કરવી તે જ સમયની પણ માંગ છે, અને કોરોનાની ચેઇનને અટકાવવામાં પણ સફળતા મળે તેમ છે.