ભરૂચમાં કોરોનાની વેકસીન લેતી જનતા સંક્રમણ ફેલાવતી હોય તેવા અહેવાલો સાંપડયા છે. એક તરફ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા સત્તાધીશો જણાવે છે ત્યારે વેકસીનેશન કામગીરીમાં જ સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો છે.
આજે ભરૂચનાં રોટરી કલબમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. ભરૂચ જીલ્લામાં હાલ 45 વર્ષથી ઉપરનાં લોકોની વેકસીનેશન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વેકસીન લેવા માટે લોકોની સવારથી જ કતારો લાગે છે.
આજે વેક્સિનેશન સેન્ટર પર લોકો ભીડ જમાવી એકઠા થયા હોય અને સામાજીક અંતર ના રહ્યું હોય તેવા અહેવાલો સામે આવતા આશ્ચર્ય સર્જાયું છે. એક તરફ સરકાર દ્વારા વેકસીન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. લોકોને કોરોનાની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવે છે પરંતુ અહીં તો કોરોનાની ગાઈડલાઇનનો સરેઆમ ભંગ જોવા મળે છે. કોરોના વેકસીન સેન્ટર શરૂ થાય તે પહેલા ત્રણ કલાક પૂર્વે અહીં લોકોની કતારો લાગી જાય છે. કોરોના વેકસીન લેવાની હોય તે આવશ્યક છે પરંતુ વેકસીન સ્થળ પર પણ કોરોના ગાઈડલાઇનનું પાલન થાય તેવા પ્રયાસો કરવાની તાતી જરૂર છે.