વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ એલસીબી પીઆઇ જે. એન. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના એએસઆઇ રૂપસિંગ નંદરિયા, કોન્સ્ટેબલ હરદેવસિંહ, આશિષભાઈ અને યોગેશભાઈ હાઇવે પરથી પોલીસકર્મીની દારૂ સાથેની કાર પકડી પાડી છે.
દમણથી વલસાડમાં દારૂની હેરાફેરી થતી હોય એલસીબી પોલીસ સતત નાકાબંધી કરતી હોય છે. જેમાં ગત રાત્રે પોલીસે એક ભરૂચના પોલીસકર્મીને જ રૂ. 87,800 ના દારૂના જથ્થા પાસે પકડી પાડ્યો હતો. જેની સાથે પોલીસે તેની સાથે સવાર તેની પત્નીની પણ અટકાયત કરી હતી. વલસાડ ડીએસપી ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ એલસીબી પીઆઇ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના એએસઆઇ રૂપસિંગ નંદરિયા, કોન્સ્ટેબલ હરદેવસિંહ, આશિષ અને યોગેશે હાઇવે પર ચેકિંગ હાથ ધર્યું હતુ. એ દરમિયાન તેમણે વાપીથી આવતી એક કાર નં. જીજે-16-સીબી-5412 ને અટકાવી તેની જડતી લેતાં તેમાંથી એક પોલીસકર્મી દિપક રમણ પરમાર ઉતર્યો હતો. તે ભરૂચ એસપી ઓફિસમાં રજિસ્ટ્રી શાખામાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતુ. આ સાથે તેની પત્ની મમતાબેન અને 6 વર્ષનું બાળક પણ હતુ. પોલીસે તેની કાર તપાસતા તેમાંથી દારૂ અને બિયરની રૂ. 87,800 ની બોટલો મળી આવી હતી. આખો પોલીસ પરિવાર બુટલેગરના રોલમાં આવી જતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. એલસીબીએ આ સંદર્ભે વલસાડ રૂરલ પોલીસ મથકે ભરૂચના પોલીસકર્મી દિપક અને તેની પત્ની મમતા વિરૂદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.