ભરૂચ જીલ્લામાં વેન્ટીલેટર અને ઑક્સીજન બેડની ભારે અછત જોવા મળે છે. કોરોનાથી પીડિત દર્દીઓને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં બેડ મળતા નથી તો બીજી તરફ તાજેતરમાં ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગ લાગતાં કોવિડ વોર્ડ બંધ થતાં ભરૂચ જીલ્લાનાં દર્દીઓને વેન્ટીલેટર અને ઑક્સીજન બેડ માટે અન્ય જીલ્લાઓમાં જવું પડે છે. આથી ભરૂચના કોંગ્રેસનાં અગ્રણી સંદીપભાઈ માંગરોલા દ્વારા ગુજરાત રાજય આરોગ્ય વિભાગને સંબોધીને ભરૂચ કલેકટરને એક લેખિત પત્ર પાઠવવામાં આવ્યો છે.
આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જીલ્લાની ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલોમાં હાલ ઑક્સીજન બેડ અને વેન્ટીલેટર બેડની અછત સર્જાય છે. હાલનાં સમયમાં દર્દીઓને ઑક્સીજન બેડ માટે પણ ભરૂચની બહાર વડોદરા, સુરત જવું પડે છે. ઑક્સીજનનું ઉત્પાદન ભરૂચમાં 300 ટનથી પણ વધુ થાય છે તેમ છતાં ભરૂચનાં દર્દીઓને ઑક્સીજનના ક્વોટા મળતા નથી, રાજય સરકાર દ્વારા ઑક્સીજનના ક્વોટામાં કાપ મૂકવામાં આવે છે. આથી ભરૂચનાં સ્થાનિક દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકાર દ્વારા 20 વેન્ટીલેટરો સહિત માત્ર નામના જ આંકડા દર્શાવવામાં આવે છે. નવા વેન્ટીલેટરો ગુણવત્તાયુકત ન હોય તથા શરૂ કરવામાં ન આવ્યા હોય તેવી પણ સૂત્રો દ્વારા જાણકારી મળી છે. આથી આ તકે મારી એવી માંગણી છે કે ભરૂચનાં સ્થાનિક દર્દીઓને તમામ આરોગ્યની સવલતો ભરૂચમાં જ મળી રહે અન્ય જગ્યાએ જવું ન પડે તેની આપ કાળજી લેશો.