ભરૂચમાં કોવિડ-19 નાં દર્દીઓની સંખ્યામાં સખત વધારો નોંધાઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ જીવન- મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે ભરૂચ કોંગ્રેસનાં કાર્યકર સંદીપભાઈ માંગરોલા દ્વારા ભરૂચ કલેકટર સમક્ષ લેખિત પત્ર પાઠવી એક રજૂઆત કરવામાં આવી છે.
આ લેખિત પત્રમાં કરાયેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર ભરૂચ જીલ્લામાં કોરોનાનાં દર્દીઓને સારવાર મેળવવામાં અત્યંત મુશ્કેલી વેઠવી પડે છે આથી કોરોનાનાં ઈલાજ માટે દર્દીઓને બેડ, ઑક્સીજન બેડ, વેન્ટીલેટર બેડ મળી રહે તેમજ ભરૂચમાં સારવાર મેળવતા દર્દીઓનો ઓક્સિજન ન મળવાથી જીવ ગુમાવવાનો વારો આવે છે, આવા અનેક બનાવો બની રહ્યા છે. ભરૂચના દર્દીઓની હાલત અત્યંત ખરાબ છે ત્યારે ભરૂચમાં પૂરતા પ્રમાણમાં દર્દીઓને ઓક્સિજન મળી રહે તથા ભરૂચ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર હોવા છતાં દર્દીઓને આ સુવિધા મળતી નથી, આથી ભરૂચમાં વધુને વધુ લોકો કોરોનામાં મૃત્યુ પામે છે. કોરોનાનાં લીધે ભરૂચમાં મૃત્યુ પામતા હોય તેવા ચોકાવનારા આંકડા સ્મશાન અને કબ્રસ્તાનમાંથી મળ્યા છે. સરકારી ચોપડમાં મૃત્યુ આંક અને સ્મશાન, કબ્રસ્તાનમાં બતાવવામાં આવતા મૃત્યુ આંકડામાં મોટો તફાવત જોવા મળ્યો છે, આથી ભરૂચમાં કલેકટર ગંભીરતા દાખવી સરકારી હોસ્પિટલોમાં તાત્કાલિક ધોરણે ઓક્સિજન વેન્ટિલેટરનો જથ્થો પૂરો પાડે તેવી માંગણી છે તેમજ સાથોસાથ જણાવવાનું કે ભરૂચમાં ઉત્પાદિત થતો ઓક્સિજનનો જથ્થો બહાર મોકલવામાં આવે છે પરંતુ ભરૂચમાં સારવાર મેળવતા લોકોને પૂરતું ઓક્સિજન મળી રહે ત્યારબાદ ઓક્સિજન બહાર જાય તો ભરૂચના લોકોનો જીવ બચી શકે તેવી અમારી માંગ છે.