ભરૂચ જિલ્લામાં કોરોનાનો કાળો કહેર યથાવત છે, જિલ્લામાં રોજના પોઝીટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, અનેક દર્દીઓ સાજા થયા છે તો અનેક હોસ્પિટલમાં હજુ પણ સારવાર લઈ રહ્યા છે, સંક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા પ્રથમ રાત્રી કરફ્યુ અને ત્યારબાદ દિવસ દરમિયાન પણ વેપાર ધંધા ઉપર અનેક અંકુશ લાડવામાં આવ્યા છે.
વધતા સંક્રમણ વચ્ચે જ્યાં એક બાદ એક હોસ્પિટલો હાઉસફુલ થઇ રહી છે તો બીજી તરફ અનેક દર્દીઓ પોતાનો દમ તોડી રહ્યા છે, કોવિડ પ્રોટોકોલથી સ્મશાન અને કબ્રસ્તાનમાં રોજના મૃતદેહ આવવાનો સિલસિલો યથાવત છે, ગતરાત્રી સુધી કોવિડ સ્મશાન ખાતે ૫૩ જેટલા મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અગ્નિદાહ આપવામાં આવ્યા હતા.
કોરોના મહામારી વચ્ચે ભરૂચમાં ભયંકર પરિસ્થિતિનું સર્જન થયું હોય તેમ કોવિડ સ્મશાન અને કબ્રસ્તાનમાં થયેલ અંતિમવિધિ અને દફનવિધિ ઉપરથી કહી શકાય છે, વર્તમાન પરિસ્થિતિ ભરૂચમાં વધુ વિકટ બની છે, જિલ્લામાં સંક્રમણ રોકવા માટે તંત્ર દ્વારા વેકશીનેશન ઝુંબેશ વધુ ઝડપી બનાવવામાં આવી છે.
મહત્વની બાબત છે કે કોરોનાની આ ચૅઇનને તોડવા માટે ભરૂચ જિલ્લાના લોકોની મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે, લોકો તંત્રના આદેશોનું ચુસ્ત પાલન કરે તે જરૂરી છે, બિનજરૂરી પોતાના ઘરોની બહાર ન નીકળવું, ભીડભાડવાળા વિસ્તારમાં જતા અટકવું જોઈએ, જો થોડા પણ લક્ષણો જણાય તો પોતાના પરિવારના સભ્યોથી દુર રહી તાત્કાલિક પોતાનું ટેસ્ટ કરાવી લેવું જોઈએ અને રિપોર્ટ ન આવે ત્યાં સુધી પોતાની કાળજી પોતે સ્વંયમ રાખવી જોઈએ તે જ સમયની પણ માંગ છે.