રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે આઘાતજનક સમાચાર છે. હવે રાજપીપળા કોલેજ હોસ્પિટલમાં ઓક્સિજનવાળા બેડ હાઉસફુલ હોવાથી પોઝિટિવ દર્દીઓ માટે કોવિડ માટે જગ્યા નથી કારણ તંત્રએ બહારનો એન્ટ્રી બોર્ડ મારી દીધું છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલની બહાર એક બોર્ડ પર એવું લખાણ લખ્યું કે હાલ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધાવાળા બેડ ફૂલ હોવાથી ઓક્સિજનની જરૂરિયાતવાળા પેશન્ટને એડમિટ કરવામાં આવશે નહિ.જો પેશન્ટને એડમિટ થવું જ હોય તો ઓક્સિજન વગરના બેડ પર પેશન્ટની જવાબદારી પર એડમિટ કરાશે. જો પેશન્ટને કઈ પણ થાય તો એની સંપૂર્ણ જવાબદારી પેશન્ટ અને એના સગાની રહેશે હોસ્પિટલની કોઈ જ જવાબદારી રહેશે નહીં. આવા લખાણ કરી આરોગ્ય તંત્રએ હાથ ઊંચા કરી દીધા છે.
ત્યારે કોવિડના દર્દીઓ ક્યાં જશે તે દર્દીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. ગઈકાલે એક જ દિવસમાં 12 કોવિડમાં અને ખાનગી હોસ્પિટલમાં 1 એમ કુલ 13 ના મોત થયા છે. આજે બપોરનાત્રણ વાગ્યા સુધીમાં વધુ પાંચના મોત થયા છે. ત્યારે કોવિડ હોસ્પિટલની સત્તાવાળાઓએ ઇમર્જન્સી દર્દીઓનો જાણ બચાવવાનો પ્રયત્ન કરવાને બદલે હાથ ઊંચા કરી દેતા આરોગ્યતંત્રની નફ્ફટાઈ સામે પ્રજામાં ભારે રોષ ફેલાયો છે. તંત્રે વધુ બેડ, વધુ વેન્ટિલેટર, પૂરતા ઓક્સિજન આપવાની સરકારની ડાહીડમરી વાતો હવામાં ગળી ગઈ છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને જો અચાનક ઓક્સિજનની જરૂરિયાત ઉભી થાય તો હવે એમણે ક્યાં જવું ? હાલ દેડીયાપાડા અને સાગબારા જેવા અંતરિયાળ વિસ્તારમાં કોરોનાનો કેહેર અને મૃત્યુ આંક પણ વધ્યો છે. વડોદરા, અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં પણ બહારના જિલ્લાના દર્દીઓ માટે બેડ ખાલી નથી. ત્યારે નર્મદા જિલ્લાની ગરીબ પ્રજાની એક માત્ર આશા રાજપીપળા કોવિડ હોસ્પિટલ પર રાખી બેઠી છે. તો નર્મદા જિલ્લાના બેદરકાર અને નબળા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઓક્સીજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે રીતસરના હાથ ઊંચા કરી દેતા લોકોમાં તંત્ર સામે શરમ શરમ ના પોકારો ઉઠી રહ્યા છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા