– બે દિવસમાં 6 અને એક સપ્તાહમાં 40 ના અગ્નિસંસ્કાર કરાયા.
– એપ્રિલમાં મોતનો આંકડો વધી જતા કુલ 87 ના અગ્નિસંસ્કાર કરાયા છતાં કોવિડ હોસ્પિટલ અત્યાર સુધીમાં માત્ર ત્રણના મોતનો આંકડો બતાવે છે?
– આરોગ્ય તંત્રના છુપાવતા આંકડા અને અસુવિધાઓ સામે પ્રજામાં રોષ.
રાજપીપલા સ્મશાનગૃહમાં આજે વધુ ત્રણ કોરોના મૃતકોના અગ્નિ સંસ્કાર કરાયા હતા. ગઈકાલે પણ ત્રણ મળી બે દિવસમાં 6 અને છેલ્લા એક સપ્તાહમાં 40 ના અગ્નિસંસ્કાર કરાયા છે. માત્ર ચાલુ એપ્રિલ માસમાં જ 24 દિવસમાં કુલ 87 મૃતદેહના અગ્નિસંસ્કાર કરાયા છે. આ સ્મશાન ગૃહના સત્તાવાર આંકડા છે.
રોજ નર્મદામાં મોતનો આંકડો વધી રહ્યો છે પણ રાજપીપલા કોવિડ હોસ્પિટલના સત્તાધિશોએ આજની તારીખમાં મોતનો આંકડો શૂન્ય બતાવ્યો છે. અગાઉના અત્યાર સુધીમાં માત્ર ત્રણના સત્તવાર મોતના આંકડાનું ગાણું ગાયે રાખ્યું છે. આશ્રર્યની વાત એ છે કે કોરોના પોઝીટીવ દર્દી રાજપીપલા કોવિડ હોસ્પિટલમાં દાખલ થાય છે, હોસ્પિટલમાં જ દમ તોડે છે. અહીંથી જ એમ્બ્યુલન્સમાં મૃતદેહ રાજપીપલા સ્મશાન ગૃહમાં પહોંચે છે અને અગ્નિસંસ્કાર થાય છે. સ્મશાન સત્તાવાળાઓને ચોપડે આંકડા બોલે છે પણ આરોગ્ય તંત્રના ચોપડે આંકડા બોલતા જ નથી ! કહેવાની જરૂર નથી કે તંત્ર મોતના આંકડા છુપાવે છે. તો શું રાજપીપલા સ્મશાન ગૃહમાં કોવિડ દર્દીઓના ભૂત આવે છે ? કોણ સાચું સ્મશાન ગૃહના સત્તાધીશો કે આરોગ્ય તંત્ર ? રાજપીપલા કોવિડ હોસ્પિટલની સુવિધા વિશે સાંસદોએ લડાઈ લડવી પડી છે. તંત્ર જોઈએ છે, તબીબો સ્ટાફની જાહેરાતો કર્યા કરે છે પણ તબીબો સ્ટાફ મળતા નથીનું ગાણું ગાતું તંત્ર અને અને સરકાર યુદ્ધના ધોરણે તબીબોની ભરતી કરવામાં નિષ્ફ્ળ નીવડી છે. ત્યારે આરોગ્યતંત્ર દર્દીઓને મોતને હવાલે કરવાને બદલે એનો જીવ બચાવે અને ઉત્તમ આરોગ્ય સુવિધા આપે અને ભવિષ્યમાં કેસો વધે તો તેની આગોતરી સુવિધા પણ તંત્ર વધારે એવી પ્રજાની માંગ છે તંત્રની અસુવીધા બાબતે હાલ પ્રજામાં ભારે રોષ છે.
જ્યોતિ જગતાપ, રાજપીપળા