ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આવેલા આઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હાલ સ્ટાફ સુવિધાના અભાવે શોભાના ગાંઠીયા સમાન દેખાઇ રહ્યા છે. ભાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મુળ મકાન બિસ્માર બનેલ હોઇ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાલ રુંઢ ગામના હેલ્થ સેન્ટરના મકાનમાં ચાલી રહ્યુ છે. આ પીએચસીમાં હાલ સ્ટાફ સુવિધાઓનો પણ અભાવ જણાય છે. હાલ કોઇ પરમેનન્ટ ડોક્ટર નથી. જે ડોક્ટર છે તે ચાર્જ ધરાવતા ડોક્ટર છે, જે જવલ્લે જ દવાખાનામાં આવતા હોય છે એવી ચર્ચાઓ સ્થાનિક જનતામાં ઉઠવા પામી છે. પીએચસીના મુળ મકાનના બાંધકામનું કામ નક્કી થઇ ગયેલ હોવા છતા તેમાં કેમ વિલંબ થઇ રહ્યો છે, એ જ સમજાતુ નથી.
હાલ કોરોના મહામારીના સમય દરમિયાન ઘણા દર્દીઓ વાયરલ ઇન્ફેક્શનથી પણ પીડાતા દેખાય છે. ત્યારે ભાલોદ પીચસીની ઓપીડી સેવા ડોક્ટરના અભાવે હાલ શોભાના ગાંઠીયા જેવી બનવા પામી છે. દવાખાનાના અન્ય સ્ટાફને અન્ય સ્થળોએ સેવા આપવાના ઓર્ડરો થઇ રહ્યા હોવાની વિગતો જાણવા મળી છે, ત્યારે સામાન્ય વ્યાધિઓમાં પીડાતા દર્દીઓની સારવારનું શુ ? આ પ્રશ્ન જનતામાં ચર્ચાઇ રહ્યો છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ