હાલ કોરોના મહામારીનો બીજો તબક્કો ચાલે છે. કોરોના મહામારીના સમયમાં કોરોના સંક્રમણ સિવાય અન્ય સામાન્ય વ્યાધિઓથી પણ જનતા પીડાતી હોય છે. કોરોના મહામારી વચ્ચે વાયરલ ઇન્ફેક્શનથી પીડાતા દર્દીઓ પણ હોઇ શકે ત્યારે આવા અન્ય વ્યાધિઓથી પીડાતા દર્દીઓને સામાન્ય સારવારની જરૂર પડે છે.
મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકામાં આઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ અવિધા અને ઉમલ્લા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રો આવેલા છે. તાલુકાના આઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ભાલોદ, પાણેથા ,રાજપારડી, ગોવાલી, ધારોલી, જેસપોર, ઝઘડીયા અને પડવાણીયાના આરોગ્ય કેન્દ્રોનો સમાવેશ થાય છે. તાલુકામાં સામાન્ય બિમારીઓથી પીડાતા દર્દીઓ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સેવા ઉપલબ્ધ બનાવવામાં આવી છે, પરંતુ કોરોના સંક્રમણને લઇને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સ્ટાફને અન્યત્ર કામે લઇ લેવાયો છે. ત્યારે સામાન્ય બિમારીઓને લગતી સારવારનું ભવિષ્ય શુ ? આમેય તાલુકાના સરકારી દવાખાનાઓમાં સ્ટાફની કમી પહેલાથી જ જણાય છે, ત્યારે હાલ આ સરકારી દવાખાનાઓની સ્થિતિ સ્ટાફ સુવિધાની બાબતે વિકટ બની છે. એક જ ડોક્ટર પાસે એક કરતા વધારે દવાખાનાઓનો ચાર્જ હોય છે. ત્યારે એક ડોક્ટર એક જ સમયે એક કરતા વધારે ઓપીડી કેવી રીતે સંભાળી શકે ? ઘણા આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ નર્સોએ સગર્ભા સ્ત્રીઓની પ્રસુતીને લગતી સેવાઓ પણ બજાવવાની હોય છે. ત્યારે સ્ટાફને અન્ય જગ્યાએ ફરજ માટે મુકી દેવાતા હાલ તાલુકાના મોટાભાગના સરકારી દવાખાનાઓ નધણીયાતા બની ગયેલા દેખાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ