– ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા પત્રકાર મુકેશ શર્માના સહયોગથી કોવિડ સ્મશાનમાં મૃતકોના અગ્નિદાહ માટે એક ટ્રક લાકડાનું દાન આપવામાં આવ્યું હતું.
ભરૂચમાં કોરોના મહામારી બેકાબુ બની છે રોજ સરેરાશ 150 થી વધુ કોરોના પોઝિટિવ કેસો બહાર આવી રહ્યા છે. જ્યારે કોરોનામાં મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં ભરૂચના કોવિડ સ્મશાનમાં 500 થી વધુ મૃતદેહોને અગ્નિદાહ અપાયા છે. જે જોતા રોજના સરેરાશ 20 થી અગ્નિદાહ અપાય છે. જેના માટે એકલા કોવિડ સ્મશાનમાં જ રોજના 3 ટનથી વધુ લાકડાનો ઉપયોગ થાય છે.
કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ માટે એક પણ રૂપિયો લેવાતો નથી. વિવિધ સંસ્થાઓ અને સેવાભાવી લોકો અગ્નિદાહ માટે લાકડાનું દાન કરી રહ્યા છે. જેમાં પત્રકારમિત્રો પણ જોડાયા છે. તાજેતરમાં જ પત્રકાર મુકેશ શર્માની મેરેજ એનિવર્સરી હતી. કોવિડ મહામારીને લઈ મેરેજ એનિવર્સરીની ઉજવણી રદ કરી મુકેશ શર્માએ આગવો અભિગમ અપનાવ્યો હતો. ભરૂચ સક્રિય પત્રકાર સંઘના માધ્યમથી તેમને કોવિડ સ્મશાનમાં એક ટ્રક ભરીને લાકડાનું દાન કર્યું હતું.
આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જગદીશ પરમારે મુકેશ શર્માના અભિગમને બિરદાવી સમાજના સમૃદ્ધ લોકોને કોરોના મહામારીમાં સેવા કરવા માટેની અપીલ કરી હતી સાથે વધતી જતી મહામારીમાં હવે આપણે જ આપણા જીવને બચાવવાનો છે તેમ કહી સ્વયંભૂ ઘર બહાર નીકળવાનું ટાળી માસ્ક અને સેનેટાઇઝરનો નિયમિત ઉપયોગ કરવા પણ અપીલ કરી હતી.