ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક સમાન બની છે, જિલ્લામાં રોજના ૧૦૦ થી વધુ કોરોનાનાં પોઝીટીવ કેસો નોંધાઇ રહ્યા છે, જેના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડ હાઉસફુલ સ્થિતી તરફ જતા જોવા મળ્યા છે, કોરોના સંક્રમણની ચેઇનને તોડવા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉનનો સહારો લેવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ સંક્રમણના વધતા જતા કેસોએ લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.
ભરૂચ જિલ્લામાં શહેરી વિસ્તારો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંક્રમણ વધવા લાગતા વિવિધ સ્થાને હવે નવા કોવિડ કેર સેન્ટર ખોલવાની ફરજ પડી છે, વધતા સંક્રમણ વચ્ચે ખાનગી લેબો અને સિવિલ હોસ્પિટલ ખાતે સંક્રમણના લક્ષણો ધરાવતા લોકોની લાંબી લાંબી લાઈનો આજે સવારથી જ જોવા મળી હતી, ઓક્સિજન અને રેમડીસીવીર ઇન્જેક્શનની માંગમાં પણ સતત વધારો દર્દીઓના પરીવારજનો વચ્ચેથી સામે આવી રહ્યો છે.
કોરોનાનાં કાળા કહેર વચ્ચે કોવિડ સ્મશાનમાં મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અગ્નિદાહ આપવાનો સિલસિલો પણ યથાવત જોવા મળી રહ્યો છે,ગત રાત્રી સુધી કોવિડ સ્મશાનમાં ૨૭ જેટલા મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યા હતા જેમાં બે દીકરીઓએ ભીની આંખે પોતાના પિતાને અગ્નિદાહ આપ્યા હતા અને તેઓના પ્રત્યેના પિતાના અધૂરા કામો પૂર્ણ કરવાની ઈચ્છાઓ દર્શાવતા ઉપસ્થિત લોકોમાં વાતાવરણ ગમગીન બન્યું હતું,
કોવિડ સ્મશાનની સાથે સાથે જિલ્લાના વિવિધ સ્થળે કબ્રસ્તાનોમાં પણ કોવિડ પ્રોટોકોલ આધીન અનેક લોકોની દફનવિધિ કરવામાં આવી રહી છે, આમ જિલ્લામાં કોરોના કાળમાં મૃત્યુઆંક એક અનુમાન મુજબ ૧૫૦૦ ને પાર પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વધતા સંક્રમણને લઇ તંત્ર સતત પોતાની કામગીરી કરી રહ્યું છે, કોવિડ સેન્ટરથી લઇ બેડ વધારવા જેવી બાબતો પર જિલ્લા કલેક્ટર એમ.ડી મોડિયાની સતત કામગીરી જોવા મળી રહી છે, લોકોને મુશ્કેલીઓ ન પડે તે માટેના તમામ આયોજનોમાં તંત્ર લાગી ગયું છે, ત્યારે આ સંક્રમણને અટકાવવા માટે લોકોએ પણ પોતાની નૈતિક ફરજ સમજી કોરોનાની તમામ ગાઇડલાઈનનું પાલન કરવું વર્તમાન સમયની માંગ છે, અને બિન જરૂરી ઘરની બહાર અથવા ભીડભાડવાળા વિસ્તારોમાં જતા અટકવું જોઈએ તે તમામ બાબતોનું પાલન જ ભરૂચને આ મહામારીમાંથી બહાર લાવી શકે તેમ છે.