ભરૂચ જીલ્લાનાં શુકલતીર્થ ગામમાં “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે બાળકો દ્વારા વર્તમાન કોરોના મહામારીનાં સંકટમાં પૃથ્વી ઉપર આવેલા કોરોનાનો રોગ નાશ: પ્રાય થાય તે માટે ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જીલ્લામાં કોરોનાનો કાળો કહેર વર્તાય રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં ભરૂચમાં કોરોનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા દિવસે-દિવસે વધતી જાય છે. કોરોના પોઝીટીવની વધુ પડતી સંખ્યા પણ ભરૂચમાં હોય આથી આ કોરોના મહામારીમાંથી માં ગાયત્રી સૌને ઉગારે અને સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલી આ અસુરી શક્તિ પર નિયંત્રણ મેળવી શકાય તેવા હેતુ સાથે બાળકો દ્વારા ગાયત્રી યજ્ઞ કરાયો હતો. આ ગાયતી યજ્ઞમાં ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રની વિશિષ્ટ આહુતિ બાળકો દ્વારા આપવામાં આવી હતી.
ઉપરાંત માનવી દ્વારા આ અખિલ બ્રહ્માંડમાં વ્યાપેલી અનાચારી, દુરાચારી શક્તિઓનું નિયંત્રણ અત્યંત વધી જવા પામ્યું છે ત્યારે યજ્ઞનાં માધ્યમથી પૃથ્વી ઉપરથી અસુરી શક્તિઓનો નાશ થાય અને ઈશ્વર સૌને શક્તિ પ્રદાન કરે, આ કોરોના મહામારીમાંથી લોકો બહાર આવે, કોરોનાનું સંક્રમણ ઘટે અને મૃત્યુદરમાં પણ ઘટાડો થાય, માનવ દ્વારા પ્રકૃતિ સાથે કરેલી છેડછાડ પણ કયાંકને ક્યાંક જવાબદાર હોય તો બાળકો દ્વારા હોમ હવન કરી પૃથ્વી માતા પાસે ક્ષમા યાચના કરવામાં આવી હતી અને આ કોરોનાની વિપદામાંથી પ્રભુ સૌને બહાર કાઢે તેવી પ્રાર્થના શુકલતીર્થનાં બાળકોએ કરી હતી.